એકતા નગર ખાતે મળેલી 11મી વાર્ષિક સામાન્ય સભા દેશના વિવિધ રાજ્યોના માહિતી કમિશનરોની પ્રેરક ઉપસ્થિતિ રહી
જીએન એક્તાનગર: માહિતી અઘિકાર અધિનિયમને વધુ સરળ અને લોકભોગ્ય બનાવવા માટે એકતા નગર ખાતે મળેલી દેશના વિવિધ રાજ્યોના માહિતી કમિશનર પરિષદમાં ભારતના મુખ્ય માહિતી કમિશનર શ્રી વાય. કે. સિંહા એ જણાવ્યું કે આરટીઆઈ એક્ટને પરિણામે સરકારોની કાર્યવાહી વધુ પારદર્શક બની છે અને સમગ્ર વહીવટી તંત્રમાં પારદર્શક્તા આવવાની સાથે જવાબદેહીનું પ્રમાણ વધ્યું છે.
દેશના મુખ્ય માહિતી કમિશનર શ્રી સિંહાએ વધુમાં જણાવ્યું કે, નેશનલ ફેડરેશન ઓફ ઇન્ફોર્મેશન કમિશનર ઈન ઈન્ડિયાની આ 11મી વાર્ષિક સામાન્ય સભામાં રાજયના માહિતી કમિશનરશ્રીઓને પરસ્પર મળવાની અમૂલ્ય તક તો મળે જ છે, સાથે સાથે બેસ્ટ પ્રેક્ટિસ પ્રસ્તુત કરવાનો મોકો પણ મળે છે. આરટીઆઈ કાયદાને 17 વર્ષ થયાં છે. તેની સાથેના રોજબરોજના કામકાજથી આપણે પ્રતિદિન નવું શીખીએ છીએ અને તેના થકી નાગરિકોની સેવા કરવાનો મોકો મળે છે. આરટીઆઈ એક્ટના અમલમાં કેવાં સુધારા કરવાથી લોકોને સરળતા રહે તે બાબતની સરકારને ભલામણ પણ કરીએ છીએ.
શ્રી સિંહાએ પોતના ટૂંકા પ્રવચનમાં ગુજરાત સાથેના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે 41 વર્ષ બાદ ગુજરાતમાં આવવાનું થયું છે. આઈએએસની તાલીમ દરમિયાન વડોદરા ખાતે પંચાયતી રાજની તાલીમ લેવા આવ્યો હતો. તે વખતે છોટા ઉદેપુર અને જાંબુઘોડા વિસ્તારની મુલાકાત લીધી હતી. આજે આ વિસ્તારની સુરત બદલાઈ ગઈ છે.
સમગ્ર દેશને એક કરનારા સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા શાનદાર છે અને તેના પરિસરમાં યોજાઈ રહેલી આ પરિષદમાંથી લોકસેવાનો નિષ્કર્ષ નીકળશે તેવો આશાવાદ પણ તેમણે વ્યકત કર્યો હતો.
ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર શ્રી અમૃતભાઇ પટેલે જણાવ્યું કે સરદાર સાહેબની નિશ્રામાં મળેલી આ બેઠકમાં પરસ્પર આરટીઆઈના કાયદાને લાગતા જ્ઞાન, રાજ્યોમાં થયેલી શ્રેષ્ઠ કામગીરી જાણવા અને રજૂ કરવાની તક મળી છે. મા નર્મદાના કિનારે વિવિઘ રાજ્યના માહિતી કમિશનરશ્રીઓને આરટીઆઈ એક્ટ થકી લોકોની વધુ સારી રીતે સેવા કરવાની પ્રેરણા મળશે.
નેશનલ ફેડરેશન ઓફ ઇન્ફોર્મેશન કમિશનર ઈન ઈન્ડિયાના નવ નિયુક્ત ઉપપ્રમુખ અને ઉત્તરાખંડના સીઆઇસી શ્રી અનિલચંદ્ર પુનેથાએ પ્રાસંગિક પ્રવચન, આભાર વિધિ રાજ્યના માહિતી કમિશનર શ્રી કિરીટ અધ્વર્યું અને સંચાલન ગુજરાત માહિતી કમિશનના સેક્રેટરી શ્રી જયદીપ દ્વિવેદીએ કર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ બેઠકને પાઠવવામાં આવેલા પ્રેરક શુભેચ્છા સંદેશનું વાંચન ગુજરાતના રાજ્ય માહિતી કમિશનર શ્રી રમેશ કારિયાએ કર્યું હતું. આ સામાન્ય સભામાં વિવિઘ રાજ્યના મુખ્ય માહિતી કમિશનરશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.