47મા સ્થાપના દિવસની રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરતું ભારતીય તટ રક્ષક દળ.
જીએનએ ગાંધીનગર: ભારતીય તટરક્ષક દળે બુધવારના રોજ પોતાના 47મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. ગાંધીનગરમાં સર્કિટ હાઉસ ખાતે સ્વાગત સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર/રાજ્ય સરકારના પ્રતિષ્ઠિત મહેમાનો સાથે ગુજરાતના આદરણીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ પ્રસંગે ઉપસ્થિત રહીને કાર્યક્રમને શોભાવ્યો હતો.
1978માં માત્ર સાત જહાજો સાથે ભારતીય તટરક્ષક દળનો આરંભ કરવામાં આવ્યો હતો જેણે, છેલ્લા ચાર દાયકામાં આજની તારીખે 150થી વધુ જહાજો અને 70 એરક્રાફ્ટ્સ સાથે કોજન્ટ ફોર્સમાં ઝડપથી વિકાસ કર્યો છે અને ભારતના વિશાળ દરિયાકાંઠાને સુરક્ષિત કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી રહ્યું છે.
ગુજરાતની સંવેદનશીલ દરિયાઇ સીમાની સુરક્ષા માટે, ICG એ 16 ડિસેમ્બર 2009ના રોજ ગાંધીનગર ખાતે પ્રાદેશિક મુખ્યાલયની સ્થાપના કરી હતી. ત્યારથી ગાંધીનગર ખાતે ભારતીય તટરક્ષક ક્ષેત્ર (ઉત્તર-પશ્ચિમ) મુખ્યાલય દ્વારા જહાજો અને વિમાનોની તૈનાતી કરીને 24×7 ધોરણે તકેદારી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. દરિયામાં જાનમાલને થતા નુકસાનને ટાળવા માટે દરરોજ સરેરાશ 20-25 જહાજો અને બે એરક્રાફ્ટ તૈનાત કરવામાં આવે છે.
આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ICGને બહુ મિશન સંસ્થા તરીકે ઉભરી આવવા બદલ તેની પ્રશંસા કરી હતી અને ગુજરાતની દરિયાઇ સીમાઓને અસરકારક રીતે સુરક્ષિત કરવામાં આઇસીજીની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ગુજરાતના દરિયાકાંઠે છેલ્લા એક વર્ષમાં દરિયામાં 1,380 કરોડ રૂપિયાના 236 કિલો ડ્રગ્સ, સાત વિદેશી જહાજો જપ્ત કરવામાં આવ્યા, 38 વિદેશી નાગરિકોને પકડવામાં આવ્યા અને દરિયામાં 69 લોકોના જીવ બચાવવામાં આવ્યા તેની પાછળ આઇસીજી દ્વારા કરાયેલા પ્રયાસો પર પણ પ્રકાશ પાડ્યો હતો.