*રાજાશાહી વખતની અને અનેક દીકરીઓના જીવનપથ પ્રજ્જ્વલિત કરનાર શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલએ 87 વર્ષ પૂર્ણ કર્યા.*

જીએનએ જામનગર : હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રની કન્યાઓ શિક્ષણથી વંચિત ન રહે તેમજ કન્યા કેળવણીનો વ્યાપ વધે તેવા દુરંદેશી વિચાર સાથે જામનગરના રાજવી જામ રણજીતસિંહના શાશન કાળ દરમિયાન માં શ્રી સજુબા કન્યા વિદ્યાલયનો પાયો નંખાયો.તા.12 જાન્યુઆરી, 1936 ના રોજ સ્થપાયેલી આ ગર્લ્સ હાઈસ્કૂલના 87 વર્ષ પૂર્ણ થતાં શાળાના આચાર્યાશ્રી, શિક્ષકો તથા વિદ્યાર્થીનીઓ દ્વારા અનેક સાંસ્કૃતિક તથા શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરી આ જાજરમાન શાળાના સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરી હતી.

આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાનું ઐતિહાસિક મહત્વ અને ભવ્ય વારસો દર્શાવતી કૃતિઓ રજૂ કરાઈ હતી તેમજ શાળામાં અભ્યાસ કરી ચૂકેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ કે જેઓએ વિવિધ ક્ષેત્રમાં સફળતા મેળવી શાળા અને જામનગરનું ગૌરવ વધાર્યું છે તેઓને યાદ કરી તેમની ગૌરવગાથા વર્ણવવામાં આવી હતી. આ તકે શાળા દ્વારા માર્ચ 2022 માં ધો.10 અને ધો.12 માં બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીનીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વળી આ જ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા અને આ જ શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકોએ પોતાના વિદ્યાર્થી જીવનના સંસ્મરણો વાગોળ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યા શ્રી બીનાબેન દ્વારા વિદ્યાર્થીનીઓને શાળાના સ્થાપના દિન નિમિતે શુભેચ્છાઓ તેમજ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.

સૌરાષ્ટ્રના સ્ત્રી કેળવણીના પાયા સમાન શાળા એટલે માં શ્રી સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ: રાજાશાહી વખતમાં શહેરની અન્ય શાળાઓમાં કુમાર-કન્યાનું સહ શિક્ષણ હોવાથી મોટાભાગના વાલીઓ પોતાની દીકરીઓને શાળાએ ભણવા મોકલવાનું પસંદ કરતા ન હતા આથી કન્યા કેળવણીને વેગવંતી બનાવવા માટે જામ રણજીતસિંહના શાસનકાળ દરમિયાન દીકરીઓના શિક્ષણના હેતુસર ભવ્ય રાજમહેલ સમાન કન્યા વિદ્યાલયનું નિર્માણ કાર્ય શરૂ થયેલ.

ઈ.સ.1936 ની 12 મી જાન્યુઆરીના રોજ શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી જેવા પાવન અવસરે નવા નગર સ્ટેટના મહારાજા જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજીના વરદ હસ્તે આ શાળાનો પ્રારંભ થયેલ.તાજેતરમાં 87 વર્ષ પૂર્ણ કરી 88 માં વર્ષમાં પ્રવેશતી આ શાળાની પ્રાચીન ભવ્ય ઈમારત આજ સુધી તેના ભવ્ય વારસાની શાખ રૂપે અડીખમ ઉભી છે.