દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ
વિભાગીય કૃષિ સંશોધન કોઠારા કેન્દ્રની મુલાકાત લીધી
૦૦૦૦
વિદ્યાર્થીઓએ સંશોધન વિષયક પ્રયોગ તેમજ નિદર્શન નિહાળી કચ્છ જિલ્લાની ખેતીની વિસ્તૃત માહિતી મેળવી
ભુજ, શુક્રવાર:
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ અને અધિકારીઓએ વિભાગીય સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, કોઠારા અને આસપાસના વાડી વિસ્તારોની મુલાકાત લીધી હતી.
વિદ્યાર્થીઓએ સંશોધન કેન્દ્ર ખાતે ચાલતા વિવિધ સંશોધન વિષયક પ્રયોગ તેમજ નિદર્શનને નિહાળ્યું હતું. કોઠારા કેન્દ્રના વડા અને સહ સંશોધન વૈજ્ઞાનિક ડો. ડી. જી.પટેલ દ્વારા કચ્છ જિલ્લાની ખેતીની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું .
રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરીંગના આચાર્ય અને ડીન ડો. વી.એમ.મોદી અને તેમની ટીમ દ્વારા કોઠારા મુકામે બાયોગેસ આધારીત નિદર્શન મોડેલ અને સ્ટોલ દ્વારા અન્ય બીન પરંપરાગત ઉર્જાના ઉપયોગ અંગે ખેડુતોને વિસ્તૃત માહિતી અને તાંત્રિક માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. મુલાકાતી વિદ્યાર્થીઓને કચ્છના ડી.એલ. ગોસ્વામી દ્વારા જાદુના વિવિધ પ્રયોગો તેમજ તેના રહસ્ય વિશે સાચી સમજણ આપી સમાજમાં રહેલ અંધશ્રદ્ધા દૂર થાય તે માટે તેમની આગવી શૈલીમાં મનોરંજન સાથે માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું.
મુલાકાતના અંતે સેવા સંસ્થા સાથે જોડાયેલા પ્રગતિશીલ મહિલા ખેડુત શિતલબા સોઢાએ સેવા સંસ્થા દ્વારા મહિલાઓના ઉત્કર્ષ અંગે ચાલતી પ્રવૃતિઓ તેમજ સંસ્થા દ્વારા પ્રસ્થાપિત થયેલા બાયોગેસ પ્લાન્ટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. પ્રગતિશીલ ખેડુત ગફુરછાભાઇ, આમરવાંઢ દ્વારા સ્થાનીક પશુપાલકોને ખેતી અને પશુપાલનમાં પડતી મુશ્કેલીઓથી અવગત કરવામાં આવ્યા હતા..
કેન્દ્ર ખાતે આવેલા સૌ ખેડુત ભાઇઓ તથા બહેનોને ફિલ્ડ વિઝીટ દ્વારા શુષ્ક વિસ્તારના અલ્પ વપરાશી અને ઉપેક્ષીત પાકો ખાટી આંબલી અને કોઠા(કોંટ)વિશે વિસ્તૃત સમજણ પુરી પાડવામાં આવી હતી. તેમજ કેન્દ્ર ખાતે વિકસીત કરવામાં આવેલા ખાટી આંબલીના કાતરા ફોલવાનું મશીન,બીજ કાઢવાના ઓજાર, ઘન જીવામ્રુત દળવાનું મશીન, દિવેલા ફોલવાનું મશીન, જીવામ્રુતના પ્લાન્ટ, વર્મીવોશ યુનિટ, સેંદ્રિય પ્રવાહી ખાતર પ્લાન્ટ, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, વેસ્ટ ડિકમ્પોઝર યુનિટ વિગેરે બનાવટ અને દવાઓ માં ઉપયોગીતા અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.
કેન્દ્રની મૂલાકાતે આવનાર પ્રગતિશીલ અને માર્ગદર્શક ખેડુત/પશુપાલક બહેનો મીનાબા(વરાડીયા), હસીનાબેન(વરાડીયા), અનસુયાબા(વરાડીયા), હીનાબેન જોષી(કોઠારા) અને હરીભા સોઢા(ભેદી), કારૂભા સોઢા(ભેદી), જગદીશભાઈગોહિલ(વાંકુ), મણીલાલભાઈ પટેલ(અરજણપર), અરજણજી(ભેદી) અને ઓસમાણભાઈ બકાલી(વરાડીયા),નું આંતરાષ્ટ્રીય મીલેટ વર્ષ નિમિતે બાજરી અને જુવાર વડે સન્માન કરવામા આવ્યું હતું.
જિજ્ઞા વરસાણી