ઓલપાડમાં ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નગીનભાઈ પટેલની નિમણૂંક કરવામાં આવી

તાલુકા પંચાયત કચેરી ઓલપાડમાં છેલ્લાં ઘણાં સમયથી ખાલી પડેલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા પર તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોની સિનિયોરિટીનાં આધારે મંદરોઇ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં નગીનભાઈ કરસનભાઈ પટેલની નિમણૂંક કરવામાં આવેલ છે.

 

તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર તેમજ બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ દ્વારા તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી સહર્ષ સત્કારવામાં આવ્યા હતાં. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારો તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટર મિત્રો હાજર રહ્યાં હતાં. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે નગીનભાઈ પટેલને ટેલીફોનિક શુભેચ્છા પાઠવી હતી.

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેનો નવીન કાર્યભાર સંભાળી રહેલ નગીનભાઈ પટેલે આ પ્રસંગે ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે તાલુકાની શાળાઓ, શિક્ષકો અને બાળકોનાં હિતાર્થે કામ કરવાનો આ અવસર મારું સદભાગ્ય છે. આ સાથે તેમણે શૈક્ષણિક, વહીવટી તેમજ ઈતર પ્રવૃત્તિ ક્ષેત્રે એકમેકનાં સંકલન થકી અપેક્ષિત સફળતા મેળવવા કટિબદ્ધતા દાખવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.