ઓલપાડની મંદરોઇ પ્રાથમિક શાળા દ્વારા ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી
ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત મંદરોઇ પ્રાથમિક શાળા દ્વારા ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગામનાં ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની કુલ ત્રણ ટીમો વચ્ચે રમાડવામાં આવી હતી.
આ ટુર્નામેન્ટનું ઉદઘાટન ગામનાં ડેપ્યુટી સરપંચ રાજુ રાઠોડે કર્યું હતું. આ પ્રસંગે કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ, એસ.એમ.સી. અધ્યક્ષ કામિની પટેલ તથા સદસ્યો, વ્યવસ્થાપકો ઈશ્વર પટેલ, મનોજ પટેલ, ચંપક પટેલ, ધર્મેશ પટેલ સહિત ગામનાં યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાનાં આચાર્ય નગીન પટેલે સૌ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી ટુર્નામેન્ટનાં નિયમોથી વાકેફ કર્યા હતાં.
ટુર્નામેન્ટની ફાઈનલ ગુજરાત ટાઇટન્સ ઈલેવન અને ચેન્નાઇ સુપર કિંગ્સ ઈલેવન નામક ટીમો વચ્ચે રમાઈ હતી. જેમાં પ્રથમ દાવ લેતાં ગુજરાત ટાઇટન્સ ઈલેવને 10 ઓવરમાં 75 રન ફટકાર્યા હતાં. જેનાં જવાબમાં ચેન્નાઇ સુપર કિંગ્સ ઈલેવન 10 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 65 રન બનાવી શકી હતી. આમ ફાઈનલ મેચમાં ગુજરાત ટાઇટન્સ ઈલેવન 10 રને વિજય મેળવી ચેમ્પિયન બની હતી.
સદર ટુર્નામેન્ટમાં બેસ્ટ ફિલ્ડર તરીકે સુનિલ રાઠોડ, બેસ્ટ બેટસમેન તરીકે અંશ પટેલ (૩૭ રન) તથા બેસ્ટ બોલર તરીકે હેમ પટેલ (૨ વિકેટ) જાહેર થયા હતાં. આ સાથે ચેમ્પિયન ટ્રોફી તથા રનર્સઅપ ટ્રોફી ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે અર્પણ કરવામાં આવી હતી. અમ્પાયર તરીકેની સેવા તિલક પટેલ તથા હિતેન પટેલે આપી હતી. જ્યારે સ્કોરર તરીકેની સેવા મિહિર પટેલે આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાની શિક્ષિકા બહેનો ગીતા પટેલ, પિનલ પટેલ તથા સાક્ષી પટેલે જહેમત ઉઠાવી હતી. અંતે આભારવિધિ શાળાનાં શિક્ષિકા યશુમતી પટેલે આટોપી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.