ગાંધીનગર સેના મથક ખાતે એક્સ સર્વિસમેનની રેલી યોજાઈ. યુદ્ધ વીરો, વીર નારીઓ, વીર માતાઓનું સન્માન કરાયું

જીએનએ ગાંધીનગર :ભારતીય સેના હંમેશા પૂર્વ સૈનિકો, વિધવાઓ અને વીર નારીઓના કલ્યાણ પ્રત્યે કેન્દ્રિત રહી છે તેમ મેજર જનરલ મોહિત વાધવાએ આજે ગાંધીનગર ખાતે આયોજિત એક્સ સર્વિસમેનની રેલીને સંબોધતા જણાવ્યું હતું.

વિજય દિવસની ઉજવણી અંતર્ગત ભારતીય સેના દ્વારા આજે ગાંધીનગર સૈન્ય મથક ખાતે એક્સ સર્વિસમેન રેલી યોજાઈ હતી. નિવૃત્ત લેફ્ટન્ટ જનરલ અસિત મિસ્ત્રી અને મેજર જનરલ મોહિત વાધવા (જીઓસી-11, RAPID-H)ની ઉપસ્થિતિમાં ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના 500 થી વધુ યુદ્ધ નાયકો, યુદ્ધ વીરો અને વીર નારીઓ (બલિદાન આપનારા જવાનોની પત્નીઓ) અને વીર માતાઓ જોડાયા હતા. આ અવસરે યુદ્ધ વીરો, વીર નારીઓ અને વીર માતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

 

આ અવસરે નિવૃત્ત લેફ્ટન્ટ જનરલ અસિત મિસ્ત્રી અને મેજર જનરલ મોહિત વાધવા (જીઓસી-11, RAPID-H) દ્વારા તેમના સંબોધનમાં ઉપસ્થિત સૌને આશ્વાસન આપતા જણાવાયું હતું કે, પૂર્વ સૈનિક આપણા ભાઈઓ છે, અને આપણું દાયિત્વ છે કે આપણે તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખવું જોઈએ અને તેમને પડી રહેલી મુશ્કેલીઓને દૂર કરવી જોઈએ. તેમાં ખાસ કરીને તેમના પેન્શન અને આધાર કાર્ડ સંબધિત વિસંગતતાઓના મામલાઓને હક કરવા જોઈએ.

તેમણે ભાર પૂર્વક જણાવ્યું હતું કે, ભારતીય સેના હંમેશા પૂર્વ સૈનિકો, વિધવાઓ અને વીર નારીઓના કલ્યાણ પ્રત્યે કેન્દ્રિત રહી છે.

 

આ અવસરે વિકલાંગ ભૂતપૂર્વ સૈનિકો દ્વારા કરાયેલી નિ: સ્વાર્થ સેવા અને વીર નારીઓ દ્વારા અપાયેલા સર્વોચ્ચ બલિદાનની પ્રત્યે કૃતજ્ઞતાના પ્રતીક સ્વરૂપે જનરલ ઓફિસર દ્વારા તેઓને સન્માનિત કરીને તેમની સરાહના કરવામાં આવી હતી.આ અવસરે મેડિકલ કેમ્પ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું.