વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર કચ્છની સાથે માંડવીમાં હિતચિંતક અભિયાનની શરૂઆત કરવામાં આવી

માંડવી, તા.18: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઠેર-ઠેર પશ્ચિમ સંસ્કૃતિના દુરાચાર સામે હિન્દુઓમાં લોકજાગૃતિ કેળવવા બજરંગ દળ, દુર્ગાવાહીની, માતૃશક્તિ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી આવનારી પેઢીઓના દરેક વર્ગને જોડીને સનાતન હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ જીવન મૂલ્યોને લોકો સુધી પહોંચાડી હિન્દુ ધર્મના પ્રચાર-પ્રસાર માટે ખાસ રણનીતિઓ અંગે તલસ્પર્શી અભ્યાસ કરવાના ઉદ્દેશ સાથે કાર્ય કરવામાં આવે છે જે અંતર્ગત તાજેતરમાં કચ્છની સાથે બંદરીય શહેર માંડવીમાં પણ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ વિભાગના મંત્રી ડો. કૃષ્ણકાંત પંડ્યા, પશ્ચિમ કચ્છ જિલ્લાના મંત્રી ચંદુભાઈ રૈયાણી તેમજ જિલ્લા ઉપાધ્યક્ષ દીપેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ હિતચિંતક અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

માંડવી શહેરના નિલકંઠનગર, નરનારાયણ નગર, સહજાનંદ નગર, રાધેશ્યામ નગર, પૂનમ નગર, હરીનગર અને ઉમિયા નગર વિસ્તારોના આગેવાનો સાથે બેઠક યોજીને હિંદુ સંપર્ક યાત્રા યોજવામાં આવી હતી. જેમાં 1964ની સાલથી વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થા દ્વારા સમગ્ર વિશ્વમાં રહેલા હિન્દુઓના રક્ષણ અને ધર્મની જાગૃતિ તેમજ સંસ્કાર સિંચન અર્થે યુવાનો માટે બજરંગદળ સેના અને દીકરીઓ માટે દુર્ગાવાહિની જેવી સંસ્થાઓ સ્થાપી હિંદુઓ સાથે થતા ધર્મ પરિવર્તન, અપહરણ, હત્યા, ગૌહત્યા તેમજ વિવિધ અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવીને હિન્દુ ધર્મ સંસ્કૃતિ જાળવવા માટે સતત કાર્ય કરવામાં આવે છે એની ચર્ચા કરવા ઉપરાંત યુવતીઓને દુર્ગાવાહીનીમાં જોડીને સમાજમાં સ્વમાનભેર સ્વરક્ષણ મેળવી શકે તે માટે વિવિધ તાલીમો આપી સક્ષમ બનાવવા પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ અભિયાનમાં વિશ્વ હિન્દુ પરિષદ માંડવી શાખાના અધ્યક્ષ અજયભાઈ લોહાર, ઉપાધ્યક્ષ હેમાંગભાઈ કાનાણી, હિતચિંતક અભિયાનના અધ્યક્ષ નિર્મલકુમાર લોહાર, પ્રખંડના પ્રચાર પ્રસારક ધૈર્યભાઈ કાનાણી તેમજ ગૌ સેવા દળના સહસંયોજક નીતિનભાઈ જોશી દ્વારા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.