કચ્છની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટના સંશોધન માટે મુન્દ્રાની બી.એડ. કોલેજના પ્રાધ્યાપકની પસંદગી કરાઈ
મુન્દ્રા, તા.11: છેલ્લા બે વર્ષમાં કોવિડ મહામારીને કારણે સમગ્ર વિશ્વમાં શાળાઓ બંધ હતી અને બાળકો વર્ગખંડની બહાર હતા એવા સમયે દરેક દેશને ઓનલાઈન શિક્ષણની આવશ્યકતા જણાઈ હતી. જેના અનુસંધાને ગુજરાતના બાળકો માટે 2017 માં ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે શરૂ કરાયેલ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ સાબિત થયો હતો. જ્ઞાનકુંજ પ્રકલ્પ હેઠળ વર્ગખંડમાં પ્રોજેક્ટર, લેપટોપ, ઇન્ફ્રારેડ કેમેરા મને સંલગ્ન સોફ્ટવેરના સંકલિત ઉપયોગથી બાળકોને ડિજિટલ શિક્ષણ આપવામાં આવે છે.
કચ્છ જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ કેટલા અંશે સફળ રહ્યું તે બાબતનો અભ્યાસ કરવા માટે ગાંધીનગરની ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (IITE)ના સંશોધન કેન્દ્ર વિભાગ દ્વારા મુન્દ્રાની એસ. ડી. શેઠિયા બી.એડ. કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. હિતેષભાઇ કગથરાની પસંદગી થતા કોલેજના પ્રિન્સિપાલ ડો. એલ. વી. ફફલે સંસ્થા માટે પ્રથમ વખત આવું સંશોધન કાર્યનું સદભાગ્ય પ્રાપ્ત થયાનું જણાવીને ડો. કગથરાને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે તમામ સ્ટાફમિત્રોએ સિધ્ધીને આવકારતા અભિનંદન પાઠવ્યા હતા.
જ્ઞાનકુંજ પ્રકલ્પ મૂલ્યાંકન અંતર્ગત સંશોધન કાર્ય હેઠળ અભ્યાસાર્થે જ્ઞાનકુંજ પ્રોજેકટ સાથે જોડાયેલ કચ્છની 25 થી 30 ટકા શાળાઓની મુલાકાત દરમ્યાન સ્કૂલની ભૌતિક સુવિધાઓ, તેની ઉપયોગીતા, અધ્યાપન પદ્ધતિ, મૂલ્યાંકન અને પરીક્ષા પદ્ધતિ વિશેની માહિતી, શિક્ષકોની સુવિધા અને વ્યવસાયિક ક્ષમતા, વિદ્યાર્થીઓના ઉપયોગ અંગેની માહિતી તથા પ્રોજેક્ટમાં કોઈ મુશ્કેલીઓ આવતી હશે તો તેનો ખ્યાલ આવશે અને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યોના મંતવ્યથી શાળા કક્ષાએની વાસ્તવિક સ્થિતિ જાણવા મળશે. આ અભ્યાસપૂર્ણ સંશોધનથી ભાવિ સરકારી શિક્ષણ યોજના અને સંશોધન માટે પાયાનું કાર્ય થશે એવું ડો. કગથરાએ જણાવ્યું હતું.