ભુકંપમાંથી બેઠું થયેલું કચ્છ દેશનું ગ્રોથ એેન્જિન છે
– વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્ય
૦૦૦૦
આત્મનિર્ભર ભારતમાં મહિલાનો ફાળો મોટો છે
– જિલ્લા પંચાયત અધ્યક્ષશ્રી પારૂલબેન કારા
૦૦૦૦
વિકાસની સાથે દેશની વિરાસતની જાળવણી પ્રધાનમંત્રીશ્રીએ કરી છે
– સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા
૦૦૦૦
દહિંસરા ખાતે રૂા. ૧૨ કરોડથી વધુના વિકાસકામોનું વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ભુજ, શુક્રવાર:
કચ્છના પાલકપિતા એવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભુકંપમાંથી કચ્છને બેઠું કરીને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે. વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની કચ્છને ભેટ આપીને લોકોનું જીવનધોરણ ઉંચું લાવ્યા છે. જેના પરીણામ સ્વરૂપ કચ્છ વિશ્વના નકશામાં ઉભરી આવ્યું છે ત્યારે સૌ કચ્છવાસીઓની ફરજ છે કે, દેશ, રાજય અને જિલ્લાના વિકાસમાં ખભે ખભા મિલાવીને સહયોગ આપે તેવું દહિંસરા ખાતે ૧૨ કરોડથી વધુના વિકાસકામોના ખાતમુહૂર્ત પ્રસંગે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું.
રૂ.૧૦.૮૦ કરોડના ખર્ચે કેરા – દહિંસરા – ગઢશીશા રોડના વાઇડનીંગ એન્ડ સ્ટ્રેન્ધનીંગ કામગીરીના ખાતમુહૂર્ત સાથે વિધાનસભા અધ્યક્ષાશ્રીએ દહિંસરાથી કેરા રોડ ૭મીટર પહોળો કરવા, દહિંસરાથી કેરા વચ્ચે નાગમતી નદી પર પુલ બનાવવા, દહિંસરા બસ સ્ટેશનથી ફુલવાડી સુધી સીસી રોડ, દહિંસરા ગામે મહાદેવ મંદિર પાસેથી સાર્વજનિક ચોકમાં શેડ, દહિંસરા હાઇસ્કુલમાં પ્રાર્થના શેડ, જલારામ મંદિર દહિંસરા પાસે સાર્વજનિક ચોકમાં રોડ અને ઇન્ટરલોક સહિતના કુલ રૂા. ૧૨ કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, કચ્છને વિકસીત કરવાનો સંકલ્પ લેનારા પ્રધાનમંત્રીશ્રીએ આ સંકલ્પને પુર્ણ કરી બતાવ્યો છે. આજે નર્મદાના વધારાના પાણીથી લઇને અનેક પ્રકલ્પોએ કચ્છનો ભાગ્યોદય કર્યો છે. પ્રાથમિક સુવિધાની તમામ હાડમારીનો અંત આવ્યો છે. હાલ જિલ્લાના સરહદી ગામ સુધી નલ સે જલ પ્રાપ્ત થયા છે તે વડાપ્રધાનશ્રીની દિર્ધદષ્ટિને આભારી છે. તેમણે ઉમેર્યું હતું કે, કચ્છના ધાર્મિક સ્થાનોમાં માતાના મઢ, રૂદ્રાણી જાગીર, ત્રીજાર ધર્મસ્થાન વગેરેનો પણ વિકાસ કરવામાં આવશે. આમ, કચ્છમાં તમામ ક્ષેત્રે વિકાસ કરવા સરકાર તત્પર છે.
કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોદન કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ મહિલાઓમાં રહેલી શક્તિને ઉજાગર કરી છે. તેઓ નારીશક્તિને રાષ્ટ્રશક્તિ માને છે. આત્મનિર્ભર ભારતમાં મહિલાનો મોટો ફાળો છે. તેમણે ઉમેર્યું હતું કે, કચ્છ જેવા વિશાળ પ્રદેશમાં રોડ ક્નેકટીવિટી ખુબ જરૂરી છે. સારા રસ્તાના કારણે જ જે તે પ્રદેશનો વિકાસ થતો હોય છે ત્યારે રાજય સરકાર કચ્છમાં રોડ-રસ્તાના કામ ત્વરીત પૂર્ણ કરવા સક્રીયપણે કામ કરી રહી છે.
આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીની લીડરશીપમાં દેશની કાયાપલટ થઇ રહી છે. પ્રધાનમંત્રીશ્રીએ વિકાસની સાથે દેશની વિરાસતની પણ જાળવણી કરી છે. ભુકંપ પછી કચ્છ દોડતું થયું છે તેનો શ્રેય વડાપ્રધાનશ્રીને જાય છે. તેમણે કચ્છની પાણીની સમસ્યા હલ કરવા છેક મોડકુબા સુધી નર્મદાના નીર પહોંચાડી અશક્યને શક્ય કરી બતાવ્યું છે. તેના માટે કચ્છની વર્તમાન અને આવનારી અનેક પેઢીને તેમની ઋણી રહેશે.
કાર્યક્રમમાં રામપર વેકરાના તથા હાલે નૈરોબી રહેતા દાતાશ્રી ધનુબેન શાંતિલાલ ભંડેરી દ્વારા આ વિસ્તારની ૭ શાળાને દત્તક લઇને કરાયેલા વિકાસકામોની તકતીનું વિધાનસભા અધ્યશ્રીના હસ્તે અનાવરણ કરાયું હતું.
આ પ્રસંગે ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, દહિંસરાના સરપંચશ્રી ઇન્દુબેન આશાણી, જિલ્લા પંચાયત સદસ્ય કુંવરબેન પ્રકાશભાઇ, તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઇ ગઢવી, ઉપસરપંચશ્રી વિરમભાઇ રબારી, આગેવાનશ્રી ભીમજીભાઇ જોધાણી, હરીશભાઇ ભંડેરી, વિશ્રામભાઇ ભુડીયા, કિશોરભાઇ પીંડોરીયા, હરીભાઇ આહીર તથા સર્વશ્રી અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જિજ્ઞા વરસાણી