રતાડીયા પ્રાથમિક શાળાના બાળકોએ માટીના ગણપતિ બનાવીને ગણેશ મહોત્સવની ઉજવણી કરી
રતાડીયા, તા.30:
સમગ્ર દેશમાં ધામ ધૂમ પૂર્વક ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે મુન્દ્રા તાલુકાની રતાડીયા ગામની પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા તાત્કાલિક માટીમાંથી ગણપતિજીની મૂર્તિ બનાવી ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરી, આરતી તથા રાસ ગરબા સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે તેથી નાના ભૂલકાઓમાં જ માટીના ગણેશ બનાવવાના સંસ્કાર આજથી જ રેડાય તો ભવિષ્યમાં પર્યાવરણનું રક્ષણ સહેલાઈથી થઈ શકે તે હેતુથી શાળામાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું એવું શાળાના આચાર્ય ધીરૂભા ચૌહાણ એ એક યાદીમાં જણાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમમાં શાળાના શિક્ષકો દેવાંગભાઈ રામી, કરસનભાઈ કાંબરીયા, કાસમભાઈ ચવાણ, નીપાબેન ગુસાઈ, સોનલબેન પટેલ, ઉર્મિલાબેન વામજા તથા શાળાના તમામ બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. આ ઉપરાંત એસ. ડી.શેઠીયા બી.એડ. કોલેજની તાલીમાર્થી અને શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની તિતિક્ષાબેન ઠક્કર પણ તાલીમના ભાગરૂપે શાળાની ગતિવિધિઓથી માહિતગાર થઈને ગણેશ ઉત્સવની ઉજવણીમાં હર્ષોલ્લાસ સાથે જોડાઈ હતી.