*વડાપ્રધાનશ્રીની કચ્છ મુલાકાત પૂર્વે ભુજ ખાતે કાર્યક્રમ સ્થળ પર તૈયારીઓની સમીક્ષા કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ*
*મુખ્યમંત્રીશ્રીએ સ્મૃતિવન મેમોરિયલ અને કચ્છ યુનિવર્સિટી ખાતેના સભાસ્થળની જાત મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું*
*વડાપ્રધાનશ્રી દ્વારા કચ્છમાં વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમ સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી સૂચનાઓ આપી*
*ભુજ, ગુરૂવાર:*
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ અન્વયે આગામી સમયમાં કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે કાર્યક્રમની તૈયારીઓના નિરીક્ષણ માટે આજરોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છની મુલાકાત લીધી હતી. જે અંતર્ગત તેઓએ ભુજ ખાતે આકાર પામેલા અને વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ થનારા સ્મૃતિવન મેમોરિયલ તેમજ વડાપ્રધાનશ્રીના કચ્છ યુનિવર્સિટીના ખાતેના કાર્યક્રમના સભામંડપની મુલાકાત લઇને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરીને જરૂરી માહિતી મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સ્મૃતિવન ખાતે વિવિધ ગેલેરી, બ્લોક, ચેકડેમ અને સન પોઈન્ટ વગેરેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે કામગીરીની અનુલક્ષીને વિવિધ એજન્સી તથા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ પાસેથી પ્રકલ્પોની વિગતવાર માહિતી મેળવીને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સ્મૃતિવન મેમોરિયલ ખાતે વૃક્ષારોપણ પણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી સભાસ્થળ ખાતે મંડપ વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા સહિતની ચાલી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યાં હતા. મુખ્યમંત્રીશ્રીએ કાર્યક્રમના વ્યવસ્થાપન અંગે અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવીને સુચારુ આયોજન માટે તાકીદ કરી હતી.
આ મુલાકાત દરમિયાન કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પારૂલબેન કારા, અંજાર ધારાસભ્ય શ્રી વાસણભાઈ આહિર, ગાંધીધામ ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, અગ્રણી સર્વે શ્રી રજનીભાઈ પટેલ, કેશુભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, જીએસડીએમએના સીઈઓ શ્રી કમલ દયાની, માર્ગ અને મકાન વિભાગ સેક્રેટરી શ્રી એસ.બી.વસાવા, માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઈજનેર શ્રી પી.આર.પટેલિયા, જિલ્લા કલેકટર શ્રી પ્રવિણા ડી.કે., રેન્જ આઇજી શ્રી જે.આર.મોથાલિયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટર શ્રી મિતેષ પંડ્યા, માર્ગ અને મકાન કાર્યપાલક ઇજનેર શ્રી વી.એન.વાઘેલા સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને એજન્સીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
ગૌતમ પરમાર
૦૦૦૦૦