*ભૂચર મોરીનાં યુદ્ધ વિશે કવિ આદિત્ય જામનગરી રચિત દિર્ધ કાવ્ય જીત ગયે ઇતિહાસ પ્રકાશિત કરાઈ.*
જીએનએ જામનગર: જામનગરનાં પત્રકાર તથા યુવા કવિ આદિત્ય જામનગરી દ્વારા ભૂચર મોરીનાં યુદ્ધ વિશે રાષ્ટ્ર ભાષા હિન્દીમાં રચાયેલ દિર્ધકાવ્ય ‘જીત ગએ ઇતિહાસ’ ની હેત્વી પબ્લિકેશન દ્વારા પ્રકાશિત પુસ્તિકાનાં વિમોચનનો કાર્યક્રમ હોટલ કલાતીતમાં યોજાયો હતો.
‘ નોબત ‘ સાંધ્ય દૈનિકનાં તંત્રી પ્રદિપભાઇ માધવાણીનાં અધ્યક્ષ સ્થાને આયોજીત કાર્યક્રમમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) નાં હસ્તે પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ તકે ગોવા શીપ યાર્ડનાં ડિરેક્ટર હસમુખભાઇ હિંડોચા, જામનગરનાં પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, વરિષ્ઠ સાહિત્યકાર લેફટ. ડો. સતિષચંદ્ર વ્યાસ ‘શબ્દ’ સહિતનાં અગ્રણીઓ વિમોચન કાર્યમાં જોડાયા હતાં તેમજ આ દિર્ધ કવિતાને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.કેતન કારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઇ. સ.૧૫૯૧ માં જામનગરનાં તત્કાલીન રાજા જામસત્તાજીએ શરણાર્થીને આશરો આપવાનાં ક્ષત્રિય ધર્મને ખાતર મુસ્લિમ શાસક મુઝઝ્ફરને શરણ આપી દિલ્હી પર રાજ કરતા સુલ્તાન અકબરની વિરુદ્ધ જઇ મુઘલ સેના સામે બાથ ભીડી હતી.
આ યુદ્ધમાં જામ સેના જીતવાની અણી ઉપર હતી ત્યારે થયેલ દગાબાજીને કારણે પરાજય મળ્યો હતો. પરંતુ આ યુદ્ધમાં જામનગરનાં રાજવી પરીવાર અને જામ સેના ઉપરાંત રાજપૂતો તથા નાગાબાવાઓ સહિત અસંખ્ય શૂરવીરોનાં બલિદાનને કારણે આ યુદ્ધનાં શહીદોની અમરતા ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે. કુંવર જામ અજોજીએ લગ્નનાં મંડપમાંથી યુદ્ધભૂમિમાં જઇ અતુલ્ય પરાક્રમ દાખવી શહીદી વહોરી હતી. એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા એમનાં શહીદ દિન શ્રાવણ વદ સાતમનાં દિને રાજપૂત સમાજ દ્વારા ભૂચર મોરીમાં વિક્રમી કાર્યક્રમો યોજાય છે. શ્રાવણ વદ સાતમનાં પરમ શહીદ દિને જ જીત ગએ ઇતિહાસ પુસ્તિકાનું વિમોચન કરી અમર શહીદોને શબ્દાંજલિ પાઠવવામાં આવી હતી.
જામનગરનાં ઇતિહાસકાર સ્વ. હરકિસન જોશી દ્વારા લખાયેલ જામનગરનાં ઇતિહાસ પુસ્તક ‘નગર, નવાનગર, જામનગર’ માં થયેલ આ યુદ્ધ વિશેની વિસ્તૃત નોંધ પરથી આદિત્ય જામનગરીએ યુદ્ધની કથાને આરંભથી અંત સુધી વર્ણવતું દિર્ધ કાવ્ય ‘જીત ગએ ઇતિહાસ’ રચ્યું છે.
ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ આ દિર્ધ કાવ્યને બિરદાવી કવિ આદિત્ય જામનગરીનાં કવિ કર્મની પ્રશંસા કરી હતી.પ્રદિપભાઇ માધવાણી દ્વારા પણ પત્રકારત્વની સમાંતર સાહિત્ય ક્ષેત્રે પણ કાર્યરત રહેવાનાં મુદ્દે કવિની નિષ્ઠાને બિરદાવાઇ હતી. ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ પણ સાહિત્યકાર દ્વારા ઇતિહાસ વિશે કાવ્ય સર્જન કરવાનાં પ્રયાસને આવકાર્યો હતો.