રાજ્યમાં વિકાસના કાર્યોમાં બુલેટ ગતિએ કામગીરી ચાલી રહી છે. ત્યારે સમગ્ર દેશમાં ગુજરાતે ફરી ડંકો વગાડ્યો છે. CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યએ આગેકૂચ જારી રાખી છે. તાજેતરમાં એન્યૂઅલ સર્વે ઓફ ઈન્ડસ્ટ્રીઝના જાહેર થયેલા આંકડા અનુસાર, દેશભરમાં ઔદ્યોગિક સંસાધનો(ફિક્સ્ડ કેપિટલ)માં ગુજરાત પ્રથમ રહ્યું છે. વર્ષ 2012-13માં ગુજરાતનો ફિક્સ્ડ કેપિટલ દર 14.96 ટકા હતો, તે વધીને 2019-20માં 20.58 ટકાએ પહોંચ્યો છે. આમ મશીનરી, ઈક્વિપમેન્ટ અને બિલ્ડીંગ જેવા સંસાધનોના ક્ષેત્રમાં ગુજરાત દેશભરમાં પ્રથમ રહ્યું છે.
રિપોર્ટ અનુસાર, ભારતમાં થતાં કુલ મૂડીરોકાણમાંથી સૌથી વધુ મૂડીરોકાણ મેળવવામાં પણ ગુજરાત સફળ રહ્યું છે.નોંધનિય છે કે તામિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા ઔદ્યોગિક રાજ્યોનો ઔદ્યોગિક સંસાધનોમાં ફાળાનો દર ઘટ્યો છે.
ઉલ્લેખનીય છે કે, એન્યૂઅલ સર્વે ઓફ ઈન્ડસ્ટ્રીઝના અહેવાલમાં ભારતના સંગઠીત ક્ષેત્રના ઉત્પાદનના આંકડા રજૂ કરવામાં આવે છે. ગુજરાતે પ્રોડક્ટિવ કેપિટલમાં પણ સર્વોપરિતા સિદ્ધ કરી છે. એન્યૂઅલ સર્વે ઓફ ઈન્ડસ્ટ્રીઝના અહેવાલ અનુસાર 2012-13માં પ્રોડક્ટિવ કેપિટલમાં ગુજરાતનો ફાળો 15.1 ટકા હતો, તે વધીને 2019-20માં 19 ટકાએ પહોંચ્યો છે. આમ, ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં તેનું સાતત્ય જાળવી રાખવામાં સફળ રહ્યું છે.