દક્ષિણ આફ્રિકાના (South Africa) રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ (President Cyril Ramphosa) દેશમાં ભયંકર પૂરના પ્રકોપને કારણે રાષ્ટ્રીય આપદાની (National Disasters) સ્થિતિ અને તેની સાથે લડવા માટેના અનેક ઉપાયોની જાહેરાત કરી છે.

પૂરના કારણે દરિયાકાંઠાના પ્રાંત ક્વાઝુલુ-નેટલમાં (KwaZulu-Natal) 400 થી વધુ લોકોના મોત નિપજ્યા છે અને ઘણા લોકો ગુમ થયાના અહેવાલ છે. 40,000 થી વધુ લોકો બેઘર પણ થયા છે. રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ પખવાડિયા પછી જ રાષ્ટ્રીય આપત્તિની સ્થિતિ જાહેર કરી છે.

 

સોમવારે, રામાફોસાએ છેલ્લા ચાર દિવસથી સતત ભારે વરસાદથી સર્જાયેલા વિનાશક પૂર માટે હવામાન પરિવર્તનને જવાબદાર ઠેરવ્યું હતું. પ્રમુખ રામફોસાએ જણાવ્યું હતું કે જો કે ગયા અઠવાડિયે KZN માં પ્રાંતીય આપત્તિની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી, પૂરને કારણે હવે સમગ્ર દેશમાં ડરબનથી ફ્યૂલ લાઇન અને ખાદ્ય પુરવઠો ખોરવાયો છે. ડરબન એ દક્ષિણ આફ્રિકાનું મુખ્ય પ્રવેશ બંદર છે.

રાહત અને બચાવ ટીમો KZNમાં એવા લોકોને શોધી રહી છે જેઓ તાજેતરના દિવસોમાં ભારે વરસાદ પછી પૂર અને ભૂસ્ખલનને કારણે ગુમ થયા હતા. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકોના મોત પણ થયા છે. આફ્રિકાના સૌથી વ્યસ્ત બંદરોમાંના એક ડરબનમાં પૂરને કારણે હજારો લોકો બેઘર થઈ ગયા છે. વીજળી અને પાણીની સેવાઓ બંધ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ રામફોસાએ કહ્યું કે એવા સંકેતો છે કે તોળાઈ રહેલી પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ અન્ય પ્રાંતોને પણ અસર કરી શકે છે. તેથી, રાષ્ટ્રીય આફતની સ્થિતિ જાહેર કરવી જરૂરી બની ગઈ છે. ઘણા રસ્તાઓ અને પુલો નાશ પામ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિપેર કરવાનું કામ સંરક્ષણ દળને સોંપવામાં આવ્યું છે.

 

આપત્તિનો સામનો કરવા માટે ત્રણ તબક્કાની યોજના તૈયાર : રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ રામફોસાએ દેશમાં કુદરતી આપત્તિનો સામનો કરવા માટે ત્રણ તબક્કાની યોજનાની જાહેરાત કરી હતી. “સૌ પ્રથમ, અમે તાત્કાલિક માનવતાવાદી રાહત પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું, ખાતરી કરીશું કે તમામ અસરગ્રસ્ત લોકો સલામત છે અને તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય છે,” તેમણે કહ્યું.

 

તે પછી બીજા તબક્કામાં અમે સ્થિરતા અને સ્થિતિ સામાન્ય કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું, જે લોકોએ તેમના ઘર ગુમાવ્યા છે તેમને આશ્રય આપવામાં આવશે અને સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં, અમે પૂરથી નાશ પામેલી ઇમારતો અને માળખાકીય સુવિધાઓના પુનઃનિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરીશું.