જામનગર: પુરાતત્વીય સંગ્રહાલય, લાખોટા કોઠો, રણમલ તળાવ, જામનગર દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત વિશ્વ ધરોહર ના દિવસે એટલે કે ૧૮મી એપ્રિલે, ખાસ પ્રદર્શન “Seventy-Five Strokes of Sovereignty” (આઝાદીની ૭૫ સ્મરણીય સરવાણી) નું આયોજન કરવામાં આવ્યું.

‘આઝાદીનો અમૃત મહોત્સવ’ એ પ્રગતિશીલ ભારતના ૭૫ વર્ષ અને ભારતીયોની સંસ્કૃતિ અને સિધ્ધિઓના ભવ્ય ઇતિહાસની ઉજવણી અને યાદગાર સંસ્મરણ કરવાની સરકારની એક પહેલ છે. ભારત ના સામાજિક, સંસ્કૃતિક, રાજકીય અને આર્થિક પરિચય વિશે દરેક પ્રગતિશીલ પાસાંઓનું મૂર્તસ્વરૂપ છે.

આ મહોત્સવ ભારતદેશને તેની ઉત્ક્રાંતિની યાત્રામાં આ ઘડી સુધી લાવનાર એ પ્રત્યેક કર્તવ્યનિષ્ઠ દેશપ્રેમીને, તો સાથે સાથે આત્મનિર્ભર ભાવનાથી પ્રેરિત ભારત ૨.૦ ના નવસર્જનને સક્રિય કરવાની વડા પ્રધાન શ્રીમોદીજી ની દૂરદર્શિતાને કાર્યક્ષમ અને સંભવિત કરવાની તત્પરતા રાખનાર એ દરેક કર્મવીરને સમર્પિત છે..

આ પ્રદર્શનીના ઉદ્ઘાટન પ્રસંગે જામનગર સાંસદ પૂનમબેન માડમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રદર્શનીને ખુલ્લી મુક્તા પ્રત્યક્ષ રુચિ લઈને આ સમગ્ર પ્રદર્શનીને નિહાળી હતી તેમજ લોકો અને સ્કૂલના બાળકોને આ જોવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શનીના આયોજન બદલ તેઓએ બુલબુલબેન તેમજ સિદ્ધાર્થ કનેરીયાને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રદર્શનના કલાકાર અને રચયિતા સિદ્ધાર્થ કનેરિયાએ સ્વતંત્રતા તરફ દોરી જતી ૭૫ ખાસ ઘટનાઓ રજૂઆત માટે પસંદ કરી છે. જેમાં ગાંધીજી ની લખનૌ સંધિથી લઈને દુઃખદ જલિયાનવાલા બાગ, દાંડી કૂચ, સત્યાગ્રહ, ભારત છોડો આંદોલન જેવી અનેક ખાસ ઘટનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક પ્રતિકૃતિઓ ઐતહાસિક સાયનોટાઇપ ફોટોગ્રાફીક પ્રક્રીયાથી પ્રિન્ટ કરવામાં આવેલ છે. “સાયનોટાઇપ” હાથ-પ્રયોગથી પ્રિન્ટ કરવાની કલા ભારત દેશમાં ૧૯મી ૨૦મી સદી થી ઉપયોગમાં જોવા મળે છે. જયારે ભારત દેશ સ્વતંત્રતા માટે સક્રિય સમર્થન ની લડાઈ લડી રહ્યો હતો. આથી, કલાકાર દ્વારા સ્વતંત્રતા સંગ્રામ સમયની પ્રિન્ટ પ્રકિયા થી જ પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે, એમ કહેવું યથાર્થ રહેશે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીની ૭૫ અભિવ્યક્તિઓના ખાસ પ્રદર્શનના માધ્યમથી સંગ્રહાલય દરેક ભારતવાસીને આઝાદીના સંઘર્ષ થી રૂબરૂ થવા નિમંત્રણ પાઠવી રહ્યું છે. જેને એપ્રિલ ની ૧૮મી થી મે ૧લી સુધી, સવારે ૯ વાગ્યાથી સાંજે ૯ વાગ્યા સુધી નિહાળી શકાશે.