મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નવલી નવરાત્રિના નવમાં દિવસે રાજ્યની ૧૮ નારીશક્તિનું ગાંધીનગરમાં અભિવાદન કરશે.

મુખ્યમંત્રીશ્રીના નિવાસ સ્થાને ગુરુવારે યોજાશે “નારાયણી નમોસ્તુતે” કાર્યક્રમ
……..
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમાજમાં આગવું પ્રદાન કરનારી ગુજરાતની ૧૮ જેટલી મહિલાઓનું સન્માન જગદંબાના વિવિધ સ્વરૂપોની અરાધનાના પર્વ એવા નવરાત્રિના નવમાં દિવસે મુખ્યમંત્રી નિવાસના પ્રાંગણમાં કરવાનો નિર્ણય કર્યો છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીના નિવાસ સ્થાને આયોજીત “નારાયણી નમોસ્તુતે” કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત સ્વનામ ધન્ય ૧૮ મહિલાઓનું સન્માન કરશે.
આ ૧૮ સન્નારીઓમાં ભાવીના પટેલ, શ્વેતા પરમાર, મૈત્રી પટેલ, પાબીબેન રબારી, મિત્તલ પટેલ, હીનાબેન વેલાણી, ડો. ધરા કાપડિયા, પ્રેમીલાબેન તડવી, દુરૈયા તપિયા, શોભનાબેન શાહ, રસીલાવબેન પંડ્યા, અદિતી રાવલ, ડો. નીલમ તડવી, સ્તુતિ કારાણી, માનસી પી. કારાણી, પાર્મીબેન દેસાઇ, ભારતીબેન રામદેવ ખૂંટી અને દેમાબેન ચૌધરીનો સમાવેશ થાય છે.
ઉદ્યોગ, સ્વસહાય-સ્વરોજગાર, રમત-ગમત, કળા-સંગીત, યુવા ઉત્કર્ષ, સમાજ સેવા જેવા ક્ષેત્રે રહી આગવું યોગદાન આપનારી ગુજરાતની આ ૧૮ મહિલાઓને રૂબરૂ મળી તેમનું સન્માન કરી મુખ્યમંત્રીશ્રી નારીશક્તિ- નારાયણીની આરાધના-સ્તુતિ કરવાની આર્ય પરંપરાનું અનુસરણ કરશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવાર સાંજે ૩:૩૦ વાગ્યે આયોજીત “નારાયણી નમોસ્તુતે” કાર્યક્રમમાં આ નારીશક્તિ સાથે સંવાદ-વાર્તાલાપ કરીને તેમની સિદ્ધિઓનું સન્માન અભિવાદન કરવાના છે.
…………