🌹
પુરાણોની કથાઓ અનુસાર માનવી શબ્દ જેના પરથી આવ્યો એ મનુનો પુત્ર શર્યાતિ, શર્યાતિનો પુત્ર અર્નત… આ અર્નત પહેલો ગુજરાતી હતો, અહીં આવીને વસ્યો હતો.
થોડું અલગ રીતે વિચારીએ તો ઉત્તર ભારતમાંથી આર્યો ગુજરાતમાં વસ્યા, લાંબો દરિયા કિનારો હોવાથી વેપાર ગુજરાતના જીન્સમાં આવ્યો. દરિયાઈ વેપારને કારણે ઇન્ડો ગ્રીક વસ્યાં, ગ્રીક પ્રજા નિયમિત આવતી. ધીમે ધીમે શક પ્રજા વહીવટના નામે વસી. કુશાનો ગુજરાતમાં આવ્યા. શકો ઇરાન, ઇરાક, નોર્થ વેસ્ટ ટ્રાઇબલથી આવ્યા. કુશાન સામ્રાજ્યમાં પર્શિયન ક્ષત્રપો આવ્યા.
ક્ષત્રપોએ વેપારને પ્રોત્સાહન અને સલામતી આપતાં તે સંપન્ન અને શક્તિશાળી બનતા મહાક્ષત્રપ તરીકે ઓળખાવા લાગ્યા અને ઉજ્જૈન રાજધાની બનાવી. મહાક્ષત્રપ ગુજરાત આવ્યા, ભૂમકા અને નહાપન રાજવીઓ આવ્યા.
આંધ્રપ્રદેશના સાતકર્મીએ નહાપનને હરાવ્યો, સાતકર્મીના પરિવારજનો ગુજરાત આવીને વસ્યા અને રાજ્ય કરવા લાગ્યા.
મહાક્ષત્રપ રુદ્રદામને રાજ્ય પાછુ મેળવીને જૂનાગઢને રાજધાની બનાવીને ત્રણસો વર્ષ સુધી ગુજરાતમાં સુવર્ણકાળ આપ્યો.
છેક ભગવાન કૃષ્ણના સમયથી ગુજરાત સમૃદ્ધિ અને શાંતિ માટે આદર્શ હતું. છેલ્લા અઢી હજાર વર્ષમાં અનેક પ્રજા આ ભૂમિ સાથે જોડાતી ગઇ, બહાર નીકળી ન શકી…
🌹
ગુજરાતના વારસાની વાત થાય અને સોલંકી યુગ યાદ ન આવે એવું શક્ય નથી. સોલંકી એટલે દક્ષિણ ભારતના ચૌલુક્ય, પણ ગુજરાતમાં ચાલુક્યો ભારદ્વાજ ગોત્રના કહેવાય. એક કથા મુજબ મથુરામાં ચુલુક્ય રાજા થકી આ વંશની શરૂઆત થયેલી. મૂળ ઉત્તર પ્રદેશના કનોજ વિસ્તારમાંથી ચાલુક્યો ગુજરાતમાં વસ્યા અને સોલંકી વંશના શાશનની શરૂઆત થઈ એવી કથા સાથે ગુર્જરને પણ જોડવામાં આવે છે, જેના પરથી ગુજરાત શબ્દ આવ્યો હોવાની કથાઓ પણ છે.
ચાવડા વંશની સમાપ્તિ સાથે સોલંકીઓ વર્ષ 942માં ગાદી આવ્યા અને ગુજરાતનો સુવર્ણયુગ આવ્યો. મૂળરાજના પિતા ચાવડા વંશના સામંતસિંહની બહેન લીલાવતી સાથે પરણેલા અને આ દંપતિનો પુત્ર એટલે મૂળરાજ સોલંકી….મૂળરાજનો પુત્ર ચામુંડા રાજ, પછી દુર્લભરાજ…. પછી તેનો ભત્રીજો ભીમદેવ પહેલો… જેના સમયે મહમૂદ ગઝનવીનો હુમલો થયો હતો. જો કે તેણે ફરી હુમલો કરી સોનું પરત મેળવ્યું હતું.
ભીમદેવ પછી કર્ણદેવ અને તેનો પ્રતાપી પુત્ર એટલે સિદ્ધરાજ જયસિંહ… કાળક્રમે સોલંકી વંશ વિખેરાતો ગયો અને વાઘેલાઓ સત્તા પર આવ્યા….
ગુજરાતમાં તેરમી સદી સુધી સોલંકી તેમજ વાઘેલા વંશનું રાજ્ય હતું. કુદરત, પ્રકૃતિ અને પ્રકૃતિના સર્જનહાર ભારતીય પરંપરામાં હમેશા પૂજ્ય રહ્યા હતાં. કાળક્રમે તેમને શીવ કે વિષ્ણુ સ્વરૂપમાં સ્વીકારી લેવામાં આવ્યાં.
આમ છતાં આજે પણ પ્રકૃતિના સર્જક દેવદેવીઓનું મહત્વ અકબંધ રહ્યું છે. સૌરાષ્ટ્ર તેમજ અન્ય નાના મોટા ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં રાજપૂત રાજ્યો હતા. આ સમયે ગુજરાતમાં સૂર્ય પૂજા તેમજ બ્રહ્માની પણ પૂજા થતી હતી.
જો કે મુખ્ય દેવતા તરીકે મહાદેવનું અનેરું મહત્વ હતું. ભગવાન કૃષ્ણના સ્થાન તરીકે દ્વારકા વિશેષ મહત્વ ધરાવતું હતું.
ચૌદમી સદી પછી ભક્તિ યુગના પ્રારંભ સાથે વિષ્ણુ પૂજાનું મહત્વ વધવા લાગ્યું હોવાની માન્યતા પ્રવર્તે છે. આ સમયગાળામાં સિદ્ધપુરમાં મૂલનારાયણ તેમજ વર્ષ ૧૧૪૦માં દાહોદમાં ગોનારાયણનું મંદિર અસ્તિત્વમાં આવ્યું હતું.
સૂર્યપૂજા વધુ થતી હોવાનું મોઢેરાનું સૂર્ય મંદિર પ્રતિતિ કરાવે છે કે સૂર્ય મંદિર અદ્ભુત કલાત્મકતા સાથે બનાવવામાં આવ્યું હતું. સૂર્ય મંદિરનું મુખ્ય કેન્દ્ર મૂલતાન કહી શકાય, પણ આ મંદિરની પ્રતિકૃતિ સૌરાષ્ટ્રમાં થાનનું સૂર્ય મંદિર તેમજ વીજાપુરનું સૂર્ય મંદિર કહી શકાય.
બારમી સદીમાં લાવવામાં આવેલી સૂર્યની ચંપાના કાષ્ઠની મૂર્તિનું આજે પણ પાટણના મહાલક્ષ્મી મંદિરમાં ચંપાના તેલથી પૂજન થાય છે. સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ પાસે અને કુમારપાળે પ્રભાસ પાટણમાં સૂર્ય મંદિર બનાવ્યું હતું.
ખંભાતમાં સૂર્યપત્ની રત્ના દેવીનું મંદિર છે, તો કાળક્રમે સૂર્ય એ વિષ્ણુનું સ્વરૂપ છે આ માન્યતા મુજબ વચ્ચે સૂર્ય તેમજ એક તરફ શિવ અને બીજી તરફ બ્રહ્મા હોય તેવી ત્રિમૂર્તિના મંદિરો અસ્તિત્વ ધરાવવા લાગ્યાં હતાં.
ગુજરાતમાં આજે પણ રાંદલમાનું ખાસ મહત્વ છે. રાંદલમા કહો કે રન્નાદે, રન્નાદેવી, રાજ્ઞીદેવી….આ બધાં સૂર્યપત્નીના સ્વરૂપ આજે પણ પ્રચલિત છે. સૂર્ય પુત્ર રેવંત લોકમાનસ તેમજ લોકસાહિત્ય વિરતાના પ્રતિક તરીકે હમેશા સ્થાન શોભાવે છે.
જે રીતે આજે ગણપતિ ઉત્સવમાં ગણપતિના અકલ્પનિય અને અદભૂત સ્વરૂપો તૈયાર કરવામાં આવે છે, એ જ રીતે સૂર્યના પણ સ્વરુપો તે કાળમાં પ્રચલિત થયા હશે. સૂર્યની પ્રતિમામાં ઇરાન અને ગ્રીક સ્થાપત્યની અસરો જોવા મળે છે.
જગતનો આત્મા ગણાતા સૂર્યની ધાત્, અર્યમન્,રુદ્ર, વરુણ, સૂર્ય, ભગ,વિવસ્વત્, પૂષન્, સવિતા, ત્વષ્ટ અને વિષ્ણુ જેવા બાર સ્વરૂપે પુજાતા સૂર્ય મંદિરમાં અનેક વૈવિધ્ય હતું. કેટલાક સમાજોમાં રાતા ફૂલો અને રાતા કલરના તિલક વડે પૂજાતા સૂર્ય શરીરમાં થતાં કોઢના નાશ માટે પૂજન થતું.
મૂળ ધગધગતો ગોળો સ્વરૂપ સૂર્યની મૂર્તિ સાથે વિદેશી સંસ્કૃતિના સૂર્ય પૂજનને કારણે વૈવિધ્યતા આવી, જેના ફલસ્વરુપે સાત ઘોડાવાળા રથ સાથે સૂર્યની ભવ્ય પરિકલ્પના આવી. સાત ઘોડા સાથે રથ, રથમાં કમળ પર આસન અને બંને હાથમાં કમળ હોય એવા પણ સૂર્ય દેવતા કલ્પવામા આવ્યાં અને પગમાં જૂતાં પણ પહેરીને આવ્યાં હોય.
સૂર્ય ઘણી પ્રતિમાઓમાં ચાર હાથથી રથ ચલાવતા હોય તો અરુણ નામનો સારથી રથ ચલાવતો હોય. ઉષા અને પ્રત્યુષા હાથમાં તીરકામઠા લઇને ઉભા છે, માનવજાતમાં વ્યાપેલા અંધકારનો નાશ કરવા…બે અથવા ચાર પત્નીઓ રાજ્ઞીદેવી, રિક્ષુભા, છાયા અને સુવર્ચસા….પ્રકૃતિના પ્રતીક દર્શાવે છે. સૂર્યના હાથમાં રહેલા કમળ પ્રત્યેક દિવસ નવો અને તાજા ફૂલ જેવો પ્રફુલ્લિત છે. દુઃખના કીચડમાં પણ દરેક દિવસ નવી આશા અને ઉમંગ લઈને આવે છે. આ મહીના સાતે દિવસો અને બંને પખવાડિયા માટે છે. સાત અશ્વો સાત વાર અને રથના બે પૈડા બે પખવાડિયા દર્શાવે છે. રથની નીચે અંધકાર દર્શાવવામાં આવતો. રથના આવવા સાથે જ પૃથ્વીનો વ્યાપ્ત અંધકાર દૂર થાય છે.
સૂર્યની આ પ્રતિમા માનવજીવનના અસ્તિત્વનું દર્શન કરાવે છે. સૂર્યની બે બાજુ દંડ અને પિંગલ નામના અનુચર છે, જેની પાસે ખડિયો, કલમ અને દંડ છે. રોજનો હિસાબ… પણ વાત સૂર્યની… બખ્તર સાથે લડાયક યોધ્ધા એટલે સૂર્ય. લશ્કરી જોડા પહેરેલા એક માત્ર હિન્દુ પરંપરાના દેવ એટલે ભગવાન સૂર્ય. ભગવાન સૂર્યની જનોઈ પણ પારસીઓ પહેરે તેવી…ઇરાનથી ગ્રીસ સ્થાપત્યોની અસર કહી શકાય.
બ્રહ્મા ની વાત આવે એટલે નજર સામે માત્ર પુષ્કર જ આવે પણ હજાર વર્ષ પહેલા ગુજરાતમાં ઠેર ઠેર પુષ્કર હતાં. અંબાજી પાસે ખેડબ્રહ્મામાં આજે પણ ચતુર્ભુજ બ્રહ્મા પૂજવામાં આવે છે. મિયાણી, હારિજ, થરાદ, વડનગર, વીસનગર…આ તમામ સ્થળ પર બ્રહ્મા પૂજન સામાન્ય હતું.
ભરુચના સામવેદી બ્રાહ્મણ હરિપાલદેવ કે જેમણે સન્યસ્ત લઈને ચક્રધર નામ સ્વીકારી મહાનુભવ નામનો સંપ્રદાય બનાવ્યો હતો. તેરમી સદીમાં ભરુચના પ્રતાપી રાજા મલ્લદેવના નિકટતમ સાથી વિશાલદેવના પુત્ર હતાં. ગુજરાતમાં જન્મેલા સંતો ગુજરાતમાં ખાસ લોકપ્રિય થયા નથી, પણ બહારના વધુ લોકપ્રિય થયા છે, એ જ રીતે ચક્રધર વિદર્ભમાં જાણીતા બન્યા હતાં.
સોલંકી વંશના યુગમાં અણહિલવાડ પાટણમાં કિલ્લો બન્યો હોવા સાથે ઝિંઝુવાડા, ડભોઇ કે વડનગર જેવા નગરોમાં પણ કિલ્લા બન્યા હતાં… પાવાગઢનો કિલ્લો આજે પણ અભ્યાસ માંગે એટલો જટિલ રીતે બનાવવામાં આવ્યો હતો. ઐતિહાસિક જળાશયો, વાવો, નાના મોટા તળાવો, કૂંડો પરના સ્થાપત્યો માટે લખાણ કે વખાણ ઓછા પડશે.
આ યુગમાં માણસ વીરતા સતત યાદ રાખે અને ક્યારેય મૃત્યુથી ભય ન પામે તે માટે ગુજરાતમાં યમના અસંખ્ય મંદિરો હોવા સાથે પૂજન કરવામાં આવતું હતું…. જો ડર ગયા, સમજો મર ગયા… પણ મંદિરમાં જ કલાત્મકતા સાથે યમની પ્રતિમાઓ હોય તો ડર કોનો?…પ્રકૃતિથી મૃત્યુના સ્વીકાર નો સૌંદર્યયુક્ત યુગ….દુશ્મન શક્તિશાળી હોય તો પણ લડાયક ઝનૂન તો યમનો ડર ભગાવીને જ કરાય…. એ ગુજરાતીને આપણે યમાંજલિ જ આપવી પડે..
🌹
ગુજરાતમાં ગમે તે શાશક હોય પણ હજારો વર્ષોથી દુનિયા સાથે સફળતાપૂર્વક વ્યાપાર કરતું રહ્યું છે. ગુજરાત આ કારણે ઉપરાંત પોતાની આગવી શૈલી, ઉત્પાદન ક્ષમતા તેમજ ખેતીને કારણે સમૃદ્ધ રહ્યું હતું. લગભગ તેરમી સદીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મુસ્લિમ શાસન આવતા વિકાસ થંભી ગયો. અંગ્રેજ શાસન સુધી તો અસ્તિત્વ માટે ગુજરાત લડતું રહ્યું.
પંદરમી સદીથી ગુજરાત પર ફીરંગીઓની નજર પડવા લાગી. પોર્ટુગીઝ છેક ૧૫૩૧મા ગુજરાતના દીવ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પોર્ટુગીઝની હાર થઈ હતી. પોર્ટુગીઝ હારવા છતાં ગુજરાતમાં ભારે નુક્શાન કર્યું અને જીતનાર મુસ્લિમ સુલતાન બહાદુરશાહ જીતના નશામાં ભારે નુક્શાન કર્યું હતું. નુક્શાન તો પ્રજાનું જ હતું.
૧૪ જેટલા ગુજરાતના સુલતાનો, મુઘલ સૂબાઓ વચ્ચે પ્રજાએ અત્યંત યાતના સાથે પાંચસો વર્ષ ગાળ્યા હતાં.
આ વિષમ અને ક્રૂર પરિસ્થિતિમાં પણ ગૌરવપૂર્વક શાસકો લડતા રહ્યા. કચ્છનો જાડેજા વંશ, ચૂડાસમા રાજાઓ, ભાણવડના જેઠવા રાજવીઓ, ગોહિલ વંશના રાજાઓ, વાઘેલા, ઝાલા, સોઢા પરમારો, ઇડરના રાઠોડો, ચાંપાનેરના ખીચી ચૌહાણનો સતત લડતા રહ્યા. આ રાજાઓને મુસ્લિમ શાસક પણ સમર્થન આપતાં રહ્યાં હતાં.
ડરના માહોલમાં સામાન્ય ગુજરાતી કેવી રીતે રહેતા હશે? શું ખાતા હશે…આ જ કાળમાં ગુજરાતી ભાષા પણ વિકાસ પામી, આ જ ગાળામાં ભક્તિ અને સાહિત્ય પણ વિકાસ પામ્યું હતું. કમનસીબે આ જ ગાળામાં જ્ઞાતિ પ્રથા મજબૂત બનતી ગઈ હતી. બ્રાહ્મણ અને ક્ષત્રિયની જેમ આ ગાળામાં વૈશ્યો ઉચ્ચ વર્ગના ગણાવા લાગ્યા. બાળલગ્ન, કન્યા જન્મી તો અપશુકન જેવા વિવાદો વચ્ચે ગુજરાતી ભોજનને ભૂલ્યો નથી હતો.
ગુજરાતીઓમા મિષ્ટાન્ન તરીકે લાડુ જ સૌથી પ્રચલિત હતો. તે સમયના સાહિત્ય મુજબ, ૩૬ પ્રકારના લાડુ બનતાં હતાં. એ સમયે લાડુ ઉપરાંત ખાજા, ઘેબર, વેળમી, સુખડી, લાપસી, ખીર, કોપરા પાક, તલ સાંકડી જેવી મિઠાઈ પ્રચલિત હતી. કપૂર, આંબલી, એલચી, કાથો, ગળપણ સાથે શરબત પણ બનતો.
તે સમયે દેશી અને વિદેશી મુસ્લિમની અંદાજે ૭૦ જેટલી જ્ઞાતિઓ હતી. આ જ્ઞાતિઓમા લડાયક મુસ્લિમ સિવાય કારીગરો તેમજ ખેડૂત પણ હતો. સલ્તનત યુગમાં ગુજરાત એકલું પડવા લાગ્યુ. જેનો ફાયદો થયો કે સ્વતંત્ર ગુજરાતી ભાષા વિકાસ પામી. નરસિંહ, મીરાં, ભાલણ, વીરસિંહ જેવા કવિ સંતોના કાળમાં ગુજરાતી વિકાસ પામવા લાગી.
જૈન સાધુઓ મેરુતુગસૂરિ, મહેન્દ્ર પ્રભસૂરિ, જીનપ્રભસૂરિ કે જેમના કહેવાથી મહંમદ તુઘલઘે જૈનધર્મ સ્થાનોને રક્ષણ આપ્યું હતું, કમલપ્રભમુનિ, જીનપદ્મસુરિ જેવા સો કરતાં વધુ વિદ્વાનોએ ગુજરાતી ભાષા અને સાહિત્યને જીવતા રાખ્યાં.
આ ઉપરાંત કવિ ગંગાધર, પરશુરામ, કવિ મહાદેવ, પંડિત પિતાંબર, ખંભાતનો વણકર કવિ અબ્દુર રહેમાન, ભવાઈનો સ્થાપક અસાઈત, શ્રી ધર વ્યાસ, કવિ ભીમ, નરસિંહ અને તેના કાકા પરબત મહેતા, મયણ, નાકર, જુગનાથ, સૂરદાસ…..યાદી પૂરી થાય તેવી નથી.
આ જ મુશ્કેલ કાળમાં અસંખ્ય જૈન મંદિરો સાથે હિન્દુ મંદિરો બનતા જ ગયા. ચાણોદ પાસે કુભેશ્વર, વીજાપુરમા નીલકંઠ મહાદેવ તથા પાલેશ્વર મહાદેવ, ધ્રાંગધ્રા ખાતે ગણેશ મંદિર, વડિયાવીરમા વિશાળ શિવાલય, વિદ્યાનગરમાં સારણેશ્વર બનતા ગયા, તૂટતાં ગયા પણ નવસર્જનની પ્રક્રિયા ક્યારેય અટકી નહીં. ગુજરાત ક્યારેય અટક્યું જ નથી, આ કાળ હોય કે દુકાળ…. ધરતીકંપ હોય કે પૂર….
જે રાજ્યની પ્રજા અમાનવીય શાસન સામે જે સમજમાં આવે તે રીતે લડીને ટકી શકે એ જ પ્રજા ગાંધી અને સરદાર પેદા કરી શકે. ગુલામ દેશનો એક નાગરિક, બીજા દેશમાં ગુલામ પ્રજાનો ભાગ હોય….આ ગુલામીમાંથી પોતાની પ્રજાને હથિયાર વિના અહિંસા, પ્રેમ અને કરુણાથી ન્યાય અપાવી શકે. આવો માણસ પેદા કરવા પાચસો સાતસો વર્ષનો મજબૂત માનસ જ જવાબદાર હોઇ શકે.
વિશ્વના ઇતિહાસમાં એક સાથે બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતા ગુજરાત જ આપી શકે. ગાંધી, સરદાર, રવિશંકર મહારાજ, મુનશી વચ્ચે સવાયા ગુજરાતી કુરિયન હોય કે શેખાદમ આબુવાલા….
ગુજરાત આજે પણ રાષ્ટ્રને માર્ગદર્શન આપી રહ્યું છે. ગુજરાતને ગૌરવશાળી બનાવવાનું છે. જે પ્રજા હિંસક અને ક્રૂર શાસક સામે લડતી રહી, એ પ્રજાના મહાન મોરલને વધારીને ગુજરાતી કલ્ચર ને ઉચ્ચતમ શિખર પર ગુજરાત સ્થાપના દિવસ પર લઈ જવાની આપણી જવાબદારી છે.
🌹
મૂળે ગુજરાત ધંધા રોજગારનો પ્રદેશ. દેશ આઝાદ થયો તે અગાઉ ગુજરાતીઓના ખમીરનો અભ્યાસ થતો હતો. વર્ષ ૧૯૩૧મા પાંત્રીસ લાખ વ્યાવસાયિકોમાંથી છવ્વીસ લાખ ખેતી સાથે સંકળાયેલા હતા. અંદાજે ૭૩% ખેતી પર આધારિત હતાં.
આઝાદીના પ્રથમ દાયકામાં એક કરોડ તેર લાખ વ્યાવસાયિકોમાંથી ઈકોતેર લાખ એટલે કે ૬૨% લોકો ખેતી સાથે જોડાયેલા હતાં. આઝાદીના પ્રથમ દાયકામાં જ પાણીના અભાવે સૌરાષ્ટ્ર અને કચ્છમાં દેશમા બીજા ક્રમે સૌથી વધુ શહેરીકરણ થવા લાગ્યું હતું. ઓછા પિયતવાળી જમીન, નબળા ઢોર અને અચોક્કસ ચોમાસું, જેણે ખેતીની કેડ તોડી પણ ગુજરાતના ખમીરે ઉદ્યોગમાં ભારે વિકાસ કર્યો.
આઝાદીના પ્રથમ દાયકામાં પંજાબમાં ૫૪% સિંચાઇ હતી, ત્યારે ગુજરાત માંડ 3% પર હતું. આ સમયે અમૂલ હજી મજબૂત ન હતું, મહીથી માંડીને અનેક નદીઓ પર ડેમ બનતા હતા, આઝાદીના પ્રથમ દાયકામાં અસંખ્ય નાની યોજનાઓ અમલમાં આવતા સિંચાઇ વધવા લાગી હતી, પણ આ સંઘર્ષમાં ગુજરાતી નવા માર્ગે જવા તૈયાર હતા.
આઝાદીના પહેલા દાયકામાં દેશનાં કુલ ઉત્પાદનનું 30% કપડું ગુજરાતમાં બનતું હતું. ભારતમાં પ્રથમ મીલ કલકત્તામાં 1817મા શરૂ થઈ, પણ 1854મા મુંબઈમાં પારસીઓએ સાહસ કર્યું. ગુજરાતમાં મીલ નાખવાં માટે યોગ્ય વાતાવરણ છે એવો પ્રથમ અંદાજ ટોમસ જેમ્સને આવ્યો હતો.
અમદાવાદમાં રણછોડલાલ જેમ્સ લેન્ડલ સાથે પ્રારંભ કર્યો, પણ સફળતા મળી નહીં. આ જ લેન્ડલે ભરુચમા 1853મા ધ ભરૂચ કોટન મીલ શરુ કરી. અંગ્રેજ અધિકારી પ્રથમ સાહસ કર્યું. રણછોડલાલ શેઠે અમદાવાદમાં સાહસ કરવા પ્રયત્ન કર્યો. મશીન ડુબી ગયા, અંગ્રેજ મેનેજર કોલેરામાં મરી ગયો. રણછોડલાલ સાહસ ચાલું રાખ્યું, 1859મા અમદાવાદને એક નવો યુગ આપ્યો. અમદાવાદને સફળતા મળે તો સૌરાષ્ટ્ર પાછું રહે?
૧૮૭૩મા ભાવનગરના ગગા ઓઝા અને પર્સીવેલ મીલ નાખી, નુકશાનમાં જતાં ૧૮૮૧ માં ફરી પ્રારંભ થયો.
૧૮૮૦ના દાયકામાં અમદાવાદમાં ચાર, સુરતમાં બે, વડોદરા તથા ભાવનગરમાં એક મીલ હતી. અંગ્રેજ સરકાર ના કાયદા અને વધુ ટેક્સ હોવા છતાં ૧૮૯૪મા એકલા અમદાવાદમાં બાર મીલો હતી. છ વર્ષ પછી ૧૯૦૦મા ૨૭ અને ગાંધી ગુજરાત આવ્યા તે સમયે ૧૯૧૫મા ૪૯ મીલો એકલા અમદાવાદમાં ચાલતી હતી. સ્વદેશી ચળવળ મીલને પ્રોત્સાહન મળતાં ૧૯૩૪મા પંચોતેર હજાર કામદારો સાથે ૬૨ મીલો અમદાવાદમાં ધમધમતી હતી.
આઝાદીના પ્રથમ દાયકામાં આંકડો ૭૪ પર પહોંચી ગયો હતો. દેશમાં કાનપુર, મુંબઈ, મદ્રાસ જેવા અનેક સ્થળોએ મીલો શરૂ થઈ હતી, પણ આ બધી મીલો વિદેશી સાહસોને કારણે શરુ થઇ હતી. માત્ર ગુજરાત જ એવો પ્રદેશ હતો, જ્યાં પોતીકું સાહસ હતું. આ જ કારણે મહાત્મા ગાંધીની મજૂર મહાજન ચળવળ ગુજરાતમાં જ પ્રારંભ થઇ હતી.
ઉદ્યોગ શબ્દનો પર્યાય જ ગુજરાતી છે. બંને વિશ્વયુધ્ધ અગાઉ અંડર ગાર્મેન્ટ વિદેશી મળતા હતા, ગુજરાતી પ્રથમવાર દેશી ગારમેન્ટ બનાવવાના લઘુ ઉદ્યોગ શરૂ કર્યો. ધોળકા ખાતે જરીની કિનારી વાળી સાડી તૈયાર થતી હતી, આજે તો કારીગરોના પણ અસ્તિત્વ નથી. ભરૂચનો સુજની કાપડનો ઉદ્યોગ અજાયબઘર જેવો હતો. એક પણ ટાંકો લીધા સિવાય કાપડની બનાવટ થતી, આજની જનરેશન માટે કાપડ ગૃહ ઉદ્યોગ હોઇ શકે તે પણ કલ્પના બહારનું છે.
ગુજરાતમાં અનેક સ્થળોએ પિતાંબર બનતું, તો સુરતમાં તણછોઇ નામનું રેશમી કપડું બનતું. તણછોઇમા વાઘ સિંહના ચિત્રો દોરવામાં આવતાં હતાં.
આઝાદીના પ્રથમ દાયકામાં ખાંડ જેવી જરૂરીયાતના બે ત્રણ કારખાના હતાં. આ જ ગાળામાં અમૂલ વિકાસ પામવાની વાર હતી. ખેડા જિલ્લામાં દૂધના કુલ ઉત્પાદનમાં ૬૦% માત્ર ઘી જ બનતું.
પ્રથમ દાયકામાં ખેડા જિલ્લાના નાર ગામમાં પહેલીવાર દૂધમાંથી ક્રીમ બનાવવા આવ્યું, આણંદ જિલ્લામાં પનીર બનાવવાની શરૂઆત થઈ હતી. અમૂલ પહેલાં પણ મુંબઈ શહેરને આણંદ આસપાસના ગામોમાંથી દૂધ પુરૂં પાડવામાં આવતું હતું.
સૌરાષ્ટ્રમાં આજે લાખો લોકો માછીમારી કરીને કરોડોની કમાણી કરે છે, 1955મા 1350 બોટ પાસે લાયસન્સ હતું, આજે તો સૌરાષ્ટ્રમાં સાવ નાના ગામડામાં પાસે આટલી બોટ હશે.
મેટલ ઉદ્યોગનો પ્રારંભ હતો, તો ઇમિટેશન જ્વેલરી પ્રથમ દાયકામાં શરૂ થઈ હતી, જેનો ઉપયોગ માત્ર ગરીબો માટે જ હતો. ધનિક વર્ગ ઢોળ ચડાવેલ ઘરેણાં પહેરે તો સમાજમા ચર્ચાનો વિષય બનતો. ધનિક વર્ગ માટે ભરુચમાં સિગારેટ બનાવવામાં આવી હતી. કપડવંજ કાચના ઉદ્યોગ માટે પ્રસિદ્ધ હતું. પોરબંદરમાં ઓગ્લે નામની કંપનીએ ગ્લાસ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ સફળતા મોરબીની મહેન્દ્ર ગ્લાસ નામની કંપનીને મળી હતી. સાબુથી સિમેન્ટ ઉધોગનો પ્રારંભ હતો. દીવાસળી, પેપર, દવાઓ, પાર્ટસ નો પ્રારંભ હતો.
આ માહિતી આપવાનો હેતુ એટલો જ છે કે ગુજરાત સતત સંઘર્ષ કર્યો છે. ગાંધી સરદાર હોય કે નેહરુ… કે પછી દરેક ચુંટણી પ્રચારનો અંબાજીથી પ્રારંભ કરતાં ઇન્દિરા ગાંધી હોય કે મોદીસાહેબ, દરેકનું યોગદાન છે.
રાજકીય ચર્ચા બાજુ પર મૂકીએ, ગુજરાતીઓએ કુદરતનો સામનો કરીને છેલ્લા દોઢસો વર્ષના ઈતિહાસમાં સમૃદ્ધિ માટે સખત સંઘર્ષ કર્યો છે. દરેક રાજકીય તથા સામાજિક સંગઠનોએ યોગદાન આપતા સમૃદ્ધ ગુજરાત બન્યું છે.
આગામી પચાસ વર્ષમાં ગુજરાતને નવી ઉંચાઈઓ પર લઈ જવાનું છે. મોકો છે, નેતૃત્વ પણ છે. જ્ઞાતિ, ધર્મના વાડા દૂર કરી સમાનતા તરફ ગતિ કરવાની છે, ગરવી અને ગૌરવની ગુજરાતી ભૂમિ આપણુું સ્વપ્ન છે….. આજે પણ ગુજરાત સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલું છે, પણ ખમીર અને જુસ્સો અકબંધ છે….
અને હા, ગાંધીજીને 1917માં બળવંતરાય ઠાકોરે અંગ્રેજીમાં પત્ર લખ્યો હતો. પત્રના જવાબમાં ગાંધીજી એ લખ્યું હતું કે, સ્થાનિક ભાષાના જાણકાર હોવા છતાં જો અંગ્રેજી પત્રવ્યવહાર થાય તો દેશ આઝાદ થાય પછી ત્રણ મહીના જેલની સજા થાય એવા કાયદાની જોગવાઈ થવી જોઈએ….🙂
લેખન અને સંકલન
Deval Shastri🌹