તાપણી!
આવ, સામે બેસ, પેટાવી નજરની તાપણી,
જો પછી આખા મલકની ટાઢ લાગે વામણી.
રાતની આ છાવણીમાં હું ય બાંધું ચાંદણી
વાવશું ચાંદો, કરીશું ચાંદનીમાં લાવણી.
હું ગણતરીમાં નથી એની, બને એવું નહીં,
લક્ષમાં એ ખાસ રાખે છે મને તો અવગણી.
હોય મનમાં વાત બોલી ના શકે શું કામની?
રોજ ખૂંચે દર્દ રૂપે જે બનીને ટાંચણી.
હું અસલ કેવો હતો, એની ખબર તમને ઘણી?
છે હવે ફુરસદ? કરો એવી બધી સરખામણી!
– © દેવેન ભટ્ટ (03/01/2021)