*અમદાવાદ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની લોન અપાવવાના બહાને છેતરપિંડી કરતા ચાર શખ્સો ઝડપાયા*

સરકારી કામ માટે કોઈ મહત્ત્વના દસ્તાવેજો કે અંગત ડોક્યૂમેન્ટ આપતા પહેલા ચેતજો નહીં તો ક્યારેક છેતરપિંડીનો ભોગ બનવું પડશે

*અમદાવાદ* સરકારી કામ માટે કોઈ મહત્ત્વના દસ્તાવેજો કે અંગત ડોક્યૂમેન્ટ આપતા પહેલા ચેતજો નહીં તો ક્યારેક છેતરપિંડીનો ભોગ બનવું પડશે અને એકાઉન્ટ ખાલી પણ થઈ શકે છે. તાજેતરમાં જ અમદાવાદમાં સાયબર ક્રાઈમને છેતરપિંડી અંગેની ફરિયાદ મળતા સમગ્ર મામલો સામે આવ્યો છે. જેમાં ફરિયાદીના નામે અજાણી વ્યક્તિઓએ બજાજ ફાઇનાન્સ અને આઈડીએફસી બેંકમાંથી લોન લીધી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીની લોન પાસ થઈ અને વસ્તુની ખરીદી થઈ ગઈ ત્યાં સુધી ખ્યાલ જ ન હતો કે લોનના રુપિયાથી મોંઘાદાટ મોબાઇલ ખરીદાઈ ચૂક્યા છે.

સાયબર ક્રાઈમને આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું કે જે જગ્યાએથી મોબાઈલ ખરીદાય છે તે કબીર સેલ્યુલર નામની મોબાઈલ શોપમાંથી ખરીદવામાં આવ્યા છે. ખરીદનાર વ્યક્તિઓની આખી ટોળકી પોલીસના હાથે ઝડપાઈ છે. જેમાં આરોપી કૌશલ ધોળકિયા જે આસિસ્ટન્ટ મેનેજર તરીકે કબીર સેલ્યુલર નામની મોબાઇલ દુકાન નોકરી કરતો હતો તેની ધરપકડ કરવામાં આવી છે. વધુ પૂછપરછ કરતા આ ષડયંત્રના અન્ય ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપી રાહુલ પાંડે IDFC કેપિટલ ફર્સ્ટ બેંકમાં લોન પાસ કરાવવાનું કામ કરતો હતો. જ્યારે અન્ય આરોપી નિશાન શાહ મોબાઈલ લે-વેચ નું કામ જાણતો હોવાથી લોકોને લોનથી મોબાઈલ અપાવતો હતો. જ્યારે શૈલેષ દેસાઈ નામનો આરોપી એ મોબાઇલ લેવા આવતા ગ્રાહકોના અંગત ડોક્યૂમેન્ટ લાવી આપવાનું કામ કરતો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું હતું કે ગ્રાહક તરીકે પોતાના ત્યાં આવતા લોકોના ડોક્યૂમેન્ટ અને પ્રધાનમંત્રી મુદ્રા યોજના નામે લોન મેળવવા માંગતા વ્યક્તિઓના બનાવટી આઈડી પ્રૂફનો ઉપયોગ કરી મોંઘાદાટ મોબાઈલ ખરીદી અને બારોબાર વેચી દેવાનું કૌભાંડ ચાલતું હતું.

અત્યાર સુધીમાં 10થી વધુ મોબાઈલ ખરીદ વેચાણ લોનના બહાને લઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. હાલ તો સાઇબર ક્રાઇમે પકડાયેલા ચારેય આરોપીઓ પાસેથી 5 મોબાઇલ, લેપટોપ અને પ્રિન્ટર કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. મનાઈ રહ્યું છે કે તપાસ દરમિયાન વધુ કેટલાક ગ્રાહકો પાસેથી આવા ડોક્યૂમેન્ટ મેળવી તેમના નામે લોન કરાવીને આ ગઠિયાઓએ પોતાનો આર્થિક ફાયદો મેળવ્યો હોઈ શકે છે.