■ પતરાળા : ચાલો, પર્યાવરણ બચાવવા પતરાળાના ઉપયોગ તરફ પાછા વળીએ! ■
=====================================
ખૂબ જ સાદા અર્થમાં એમ કહી શકાય કે ” પતરાળા ” એટલે ઉપલબ્ધ વિવિધ વૃક્ષોના પાંદડાંઓમાંથી બનાવેલું જમવા માટેની પહોળી અને ગોળ મોટી થાળી જેવા આકારનું પાત્ર. દરેક પરિવારો પાસે રોજબરોજના ભોજન માટે તો સભ્યદીઠ અથવા ઘર + અતિથિઓ પૂરતી તો ધાતુના વાસણોની વ્યવસ્થા હોય જ, પરંતુ કોઈ સામાજિક એવા સારા કે માઠા પ્રસંગોએ કે ધાર્મિક પ્રસંગોએ આવતા મહેમાનોને ભોજન માટે આ મૂળ ભારતીય શોધના સાધનનો ઉપયોગ કરવામાં આવતો હતો.ખાસ તો જ્ઞાતિ જમણ કે સર્વજ્ઞાતિ જમણ કે ” ગામ ધુમાડાબંધ ” હોય ત્યારે પણ તેનો જ ઉપયોગ થતો.
અન્નક્ષેત્રો કે ધાર્મિક સ્થાનકોએ પ્રસાદ માટે પણ આવા સાધનો વાપરવામાં આવતા હતા. ઓછા ખર્ચાળ, આરોગ્ય સંવર્ધક, સરળતાથી ઉપલબ્ધી અને પર્યાવરણ રક્ષક એવા આ પતરાળા લગભગ ત્રણ ચાર દસકાઓથી અદ્રસ્યમાન થઈ ગયા હતા. તેના સ્થાને દરેક જ્ઞાતિ સંગઠનો કે ભોજનશાળાઓ પાસે પણ સ્ટીલ કે એલ્યુમિનીયમના બનતા થાળી,વાટકા, ચમચી વસાવવા લાગ્યા. તેનાથી આગળ પ્લાસ્ટિક અને અક્રેલિકની ડીશો પણ મળવા લાગી છે.
આદ્યુનિક બનતા જતા લોકોએ એક સસ્તા અને સરળ એવા આ પતરાળાને ભુલાવી દીધા! પરંતુ, લોકોનો આ ચળકાટ પ્રેમ ઝાઝા સમય સુધી જાળવી શકાયો નહીં કારણ કે આ નવા સાધનોએ અનેક જાતના રોગોને આમંત્રણ આપ્યું હતું. પર્યાવરણને નુકશાની થવા લાગી અને પોતે પણ તેમાં સપડાતો ગયો હોય તેવું લાગ્યું ત્યારે ના છૂટકે અને કૈક અંશે ફેલાયેલી જાગૃતિને પરિણામે ફરી જાહેર કે સમૂહ જમણોમાં આવા પતરાળાના દર્શન થવા લાગ્યા છે અને એમ પણ કહી શકાય કે પતરાળાનો પુર્નજન્મ કે પુનરાગમન થઈ રહ્યો છે અને તે અતિ આનંદની અને આવકારદાયક વાત પણ છે.
સૌ પ્રથમ આ પતરાળા શું છે તેની જાણકારી મેળવી લઈએ. પતરાળા અને પતરાળી એવા નામોથી ઓળખાતું આ સાધન મુખ્યત્વે જમણ હેતુથી વપરાતું સાધન છે. તે સાલ, ખાખરા, સોપારી, પામ, વડ, પીપળ અને કેળાના પાનમાંથી બનાવવામાં આવે છે. તેના વિવિધ રાજ્યમાં જુદા જુદા નામ અનેઓળખ હોય શકે છે. ગુજરાતમાં તે પતરાળા અને પતરાળી ઉપરાંત પતરાવળ, પત્રાવલી, પતરાવળું, પતરાળ, પતરાળું, પત્રાળું જેવા નામોથી ઓળખાય છે. દક્ષિણ ભારતમાં તે માટે પત્રાવલ્લી patravalli , પટ્ટાલ pattal , વિસ્તરકુ vistaraku , વિસ્તાર vistar અને ખળી khali એવા નામો પણ વપરાય છે.
ભગવદ્ગોમંડલે આપેલી પતરાવળની સમજુતી મુજબ તે સંસ્કૃત શબ્દ પરથી આવેલ છે જ્યાં; પત્ર ( પાંદડું ) + આવલી ( હાર ) = પત્રાવળ કે પતરાવળની હાર; ખાખરાના પાંદડાને સળીથી જોડી બનાવેલું થાળી જેવું સાધન. સાર્થ ગૂજરાતી શબ્દકોશ પ્રમાણે પતરાળું એટલે પાંદડાની થાળી આકારની રચના. ટૂંકમાં આ સાધન કોઈપણ મોટા પાંદડાઓ ધરાવતા વૃક્ષના પાંદડાંઓમાંથી બને છે. આ પાંદડાંઓને રેશાઓ કે પાતળી સળીઓથી એવી રીતે સીવી લેવાય છે કે જેનાથી તે ગોળાકાર બની શકે. તેમાં કોઈ વૃક્ષના પાંદડાંઓની સળી પણ યોગ્ય જગ્યાઓએ ભરાવી તેને ગોળાકાર આપવામાં આવે છે. હાથથી બનતા આવા સાધનમાં તે જ રીતે વાટકા પણ બનાવતા હતા. આ થાળી કે વાટકાને ભાણા જેવી ઉભી ધાર ન હોવાથી તે એક સપાટ સાધન રહી જતા હતા. તેમાં ઘન / પ્રવાહી બન્ને ભોજન આપવામાં આવતા. કોઈક જગ્યાએ જો સગવડ હોય તો વાટકો આપવામાં આવે નહીંતર બધું જ તે પતરાળામા જ જમવાનું રહેતું હતું.
પતરાળા પરિવારમાં એક બીજું સાધન પડીયો તરીકે ઓળખાતું હતું. જો કે આજે પણ કેટલાક લોકો ફૂલો ભરેલા પ્લાસ્ટિકના ઝભલાને પડીયો જ કહે છે! મોટા ભાગે ખાખરા, બદામ અને ચંપાના મોટા બે પાંદડાઓ ભેગા કરી તેમાં ફૂલો, ફુલહાર અને વેણી આપવામાં આવતા. જમ્યા પછીના પાન ખાવાના શોખીનો માટે પણ ખાખરાના પાનમાં બંધાતા. કેટલીક પિતૃ વિધિમાં પીપળાના પાન પર જ પ્રસાદ આપવામાં આવતો તો વટસાવિત્રીના વ્રત કરનારી મહિલાઓ પણ વડના પાનમાં ભોજન લેતી હતી. મંદિરોમાં કે સત્યનારાયણ ભગવાનની કથામાં પણ પ્રસાદ આવા પડીયામાં આપવામાં આવતો તેવો પણ અનુભવ છે. દક્ષિણ ભારતમાં સારા માઠા પ્રત્યેક કાર્યમાં કેળના પાન જ મહત્વના છે. ગંગાજીમાં દિવા વહેવરાવવા પણ પડીયાનો ઉપયોગ થતો હતો. અહીં પ્રકૃતિ સાથેનો માનવજીવનનો જીવંત સંબંધ હતો જેમાં છેલ્લા ઘણા સમયથી બદલાવ આવ્યો છે અને પ્લાસ્ટિક, એક્રેલીક કે થર્મોકોલ વિગેરેએ સ્થાન લીધું છે.
આવા પતરાળામાં ભોજન લેવું એ પણ એક લ્હાવો હતો. સૌ પ્રથમ પતરાળા મૂકી દેવામાં આવે અને પછી પંગતમાં બધા એક સાથે નીચે જમવા બેસે. હાલની ઉભા રહીને અને બુફે નામની જમવાની પ્રથા નહોતી. શરૂઆતમાં મીઠાઈ આવે ત્યાં સુધી પતરાળા પકડીને બેસી રહેવું પડે નહીંતર ઉડી પણ જાય! કોઈના ભાગે ફાટેલું આવ્યું હોય તો બીજું લેવા બુમાબુમ થાય! લાડવાનો ઉપયોગ પેપરવેટ તરીકે થાય! પડીયો હોય તો તેમાં દાળ પડ્યા પછી ખબર પડે કે તેમાંથી દાળ બહાર જાય છે મતલબ ફૂટલો છે! ફરી બીજો ન આવે ત્યાં સુધી દાળ પીવાય નહી ને કોઈ પીતું હોય તે જોઈ રહેવાનું તે વધારાનું! જમ્યા પછી તે પતરાળા ઉપાડી બહાર લઈ જવાના અને તેની ખાસ રાખેલી જગ્યાએ મુકવાના. પછીથી તેને એકસાથે જમીનમાં દાટી દેવાય અને તેનું ખાતર બની જાય અથવા જમીનમાં તે ભળી જાય અને જમીનને કોઈ જાતની નુકશાની ન થાય તે સૌથી મોટો ફાયદો હતો.
દક્ષિણ ભારતમાં તો આખું કેળનું પાન જ એક વાર સારી રીતે ધોઈને સાફ કરી યોગ્ય રીતે કાપીને તેના પર જ જમવાનું પીરસાય! કેળના પાન પર રહેલ મીણ જેવું સ્તર ગરમ ભોજનથી ઓગળે અને તે જમણના સ્વાદમાં એક મીઠી સુગંધ ભેળવે છે. બીજું તેમાં એક ખાસ રોગ પ્રતિકારક રસાયણ ( polyphenol ) હોવાથી તે શરીરમાં ભોજન વાટે જાય છે અને શરીરને તેનો લાભ મળે છે. આ પાંદડાને વોટરપૃફ પણ કહી શકાય છે જે પેલા સળી ભરાવેલ પતરાળા કરતા વધુ યોગ્ય રહે છે. આ કેળના પાનમાં જમવાથી અત્યારે જે પ્લાસ્ટિક કે અક્રેલીક ની ડીશો સાફ કરવામાં વપરાતા ડિટેર્જન્ટ અને રાસાયણિક પ્રવાહી બીજી વાર તે લેનારના પેટમાં જાય તે ખૂબ નુકસાનકારક બને છે વળી, સાફ કરવાનો ખર્ચ કે સમય બચતનો લાભ મળે તે પણ વધારાનો! આવા જ લાભ પતરાળામાં જમવાના પણ ખરા!
હાલમાં કોઈ પણ સમૂહ ભોજનના કાર્યક્રમોમાં આવી ડીશો વપરાતી હોય ત્યારે એમ થાય કે કાં તો ઘરેથી થાળી અને વાટકા લઈ જવા સારા અથવા ન જમવું સારું! એમાં પણ જો બીજી વારના ક્રમમાં જમવાનો વારો આવે તો ખલાસ! જેમ તેમ ડીશો ધોવાઈ હોય , લૂછવાનું આપણા રૂમાલથી અને તો પણ ગંધાતી હોય તે જુદી! જો કે એક સમય એવો પણ હતો કે મહોલ્લામાં જમણ હોયતો લોકોએ થાળી ઘરેથી લાવવાની રહેતી હતી. કોઈ અન્નક્ષેત્રમાં પોતે જમ્યા પછી લોકો જે સ્વાર્થી રીતે તે ડીશો સાફ કરતા હોય તે જોઈએ તો ખરેખર ત્યાં બીજીવાર જમવાનું મન જ ન થાય! મને યાદ છે તે મુજબ વીરપુરમાં આજે પણ પતરાળા વપરાય છે તો સતાધાર, પરબ, તોરણીયા, અરણેજ, બગદાણા વિ. સ્થળે થાળી વાટકા આપવામાં આવે છે.
હાલમાં જમણવારોમાં આવા આદ્યુનિક રીતે યંત્રોથી બનાવેલા પતરાળાનો ઉપયોગ થવા લાગ્યો છે. સીમ કે વન કે જંગલોમાંથી ખાખરા અને સાલના પાંદડાઓ અથવા કેળના પાંદડાઓ લાવી તેને સાફ કરી સળીઓ થી કે રેશાઓથી સીવી તેને યંત્રમાં મૂકી યોગ્ય તાપમાનથી જોઈએ તે કદ માપ કે આકારમાં પતરાળા બનાવાય છે. સૌથી મોટો ફાયદો એ છે કે તે અદ્દલ ભાણા જેવા લાગે છે તેથી કોઈ ભોજન પદાર્થ બહાર ન નીકળી જાય તેવા અડધા ઈંચના કાંઠાઓ પણ હોય છે.
બીજું કે આ પતરાળા યંત્રોથી બનતા પ્રમાણમાં મજબૂત હોવાથી કદાચ હાથમાં રાખી ઉભા ઉભા જમવું હોય તો પણ જમી શકાય અને વજનમાં પાછા ઓછા વજનના! એકસો ડિશોનો ખર્ચ આખા સમૂહમાં ત્રણ ચાર રૂપિયાનો થાય જ્યારે આવા પતરાળા ત્રણસો રૂપિયાના હજાર નંગ મળી શકે છે. કેટલાક પતરાળામાં અંદર જ બે ભાગ પાડી દેવામાં આવે છે અથવા એક મોટો ભાગ અને બીજા ત્રણ ચાર વાટકા જેવા ભાગો જેથી એક પતરાળામાજ બધી વસ્તુઓ આવી શકે છે. જમનાર દરેક વ્યક્તિને નવું જ મળે, ધોવાની કડાકૂટ નહીં, રસાયણોનો ડર નહીં, ઓછું વજન, ઓછો ખર્ચ, ગંદકી નહીં, જમીનમાં દાટી દેતા એક બે મહિનામાં તે ભળી જાય અને આમ, એકંદરે પર્યાવરણ મિત્ર સાધનતો ખરું જ!
સાથોસાથ, એક બીજી વાત પણ મહત્વની છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક , ઓરિસ્સા, તામિલનાડુ, ઉત્તરાખંડ, ઝારખંડ, પ. બંગાળ , આંધ્રપ્રદેશ, કેરળ, છત્તીસગઢ, બિહાર, તેલંગાણા જેવા રાજ્યોમાં તો તેનું ઉત્પાદન એક ગૃહ અને કુટિર ઉદ્યોગના માધ્યમથી થાય છે તેથી આપણે તેનો વપરાશ કરીએતો તેના માધ્યમથી આપણે ગ્રામ્ય રોજગારીની તકોને પણ પ્રોત્સાહન આપી શકીએ છીએ. તેઓ જંગલ છોડી શહેરોમાં આવવાને બદલે તે માધ્યમથી રોજગારી મેળવી શકે અને શહેરોમાં કચડાતી જિંદગીથી સારી રીતે જીવી પણ શકે છે.
ગુજરાતમાં અમદાવાદમાં અને સુરતમાં તેની મોટી કંપનીઓ પણ છે જે ઓસ્ટ્રેલિયા, સ્વિત્ઝર્લેન્ડ, યુરોપના દેશો, અખાતી દેશોમાં અને રશિયાના પ્રાંતોમાં તેની નિકાશ કરે છે. જર્મની તો ભારતમાંથી સાલના આ પાંદડાઓ આયાત કરે છે અને ત્યાં જ તે આવા પતરાળા બનાવી તેનું ઊંચી કિંમતે વેચાણ કરે છે. અમેરિકાની એક કંપની VerTerra ના સીઈઓ માઈકલ ડવોર્ક દ્વારા ૨૦૦૭માં ભારતમાં બનતા આવા પતરાળાની પદ્ધતિ જાણીને ત્યાં પણ તેનું ઉત્પાદન શરૂ કર્યું છે. ભારતને આવા પાંદડાઓ અને તૈયાર પતરાળાની નિકાસથી વર્ષે દહાડે સારું એવું હૂંડિયામણ પ્રાપ્ત થાય છે. રાજસ્થાનમાં આબુની પહાડીઓમાં મળી આવતા ” કાંચનાર ” નામની વનસ્પતિના પાંદડાઓની પણ પતરાળા માટે જર્મનીમાં ખાસ માંગ છે કારણ કે તે શ્રેષ્ઠ આયુર્વેદિક લાભો આપે છે! હવે ભારતમાં પણ તેના પતરાળા મળી રહે છે.
ભારતમાં એક સમયે ૧૨ થી ૩૬ ઇંચની ગોળાઈના પતરાળા મળતા હતા. આજે ગોળ સિવાય તે ચોરસ અને લંબચોરસ આકારના પણ મળે છે. ગોળ ભાણા જેવા આકારે તે ૬/૮/૧૦/૧૨ ઇંચની ગોળાઈમાં, લંબચોરસ આકારમાં તે ૬.૫ × ૪.૫ ઇંચ માપના અને વાટકામાં તે ૪-૫ ઇંચની ગોળાઈના અને એલ્યુમિનિયમ ફોઈલ સાથેના મળે છે. વચ્ચે એક સમય કાગળ અને પૂંઠાના પણ પતરાલા પ્રાપ્ય હતા. પામના ઝાડની થડમાંથી પણ બનાવેલા મળે છે તો વાંસના પણ..! ચીન અને જાપાનમાં કમળના પાંદડાનો પણ ઉપયોગ પતરાળા બનાવવા માટે થાય છે. ભારતના ઉત્તર – પૂર્વના રાજ્યોના જંગલમાં વસતા લોકો દરરોજ તેનો ઉપયોગ કરે છે.
સાહિત્યમાં પતરાળીનો ઉલ્લેખ અનેક વારતાઓ અને કવિતાઓમાં થયો છે. મહાભારત કાળની વાત કરીએતો ધર્મરાજા યુધિષ્ઠિર દ્વારા કરવામા આવેલા રાજસુર્ય યજ્ઞ પછી દરેકે જમેલા પતરાળા ભગવાન કૃષ્ણએ ઉપાડ્યા હતા. આ સંદર્ભ પતરાળાને તે સમય સુધી તો લઈ જ જાય છે! કવિશ્રી સુન્દરમ પોતાની એક રચનામાં ભૂખે ભાંગતી સ્ત્રી નામે રૂડકીની વેદના ” ભૂંડી ભૂખ રૂડકી રે ” માં રજૂ કરે છે.
( પતરાળા પૂરતી જ પંક્તિઓ અહીં રજૂ કરું છું )
શેરીમાં બેસીને નાત જમે ને ચૂરમાં ઘી પીરસાય
શેરીના નાકે જાતજાતના લોકો માગવા ભેગા થાય ..ભૂંડી૦
નાત જમી ત્યાં ઊઠે આખી પાન સોપારી વહેંચાય
માગણ તૂટ્યા પતરાળા પર એંઠું ઉપાડી ખાય..ભૂંડી૦
રૂડકી દોડે માગણીયા ભેગી લૂંટમલૂંટી થાય
અર્ધી ખાધેલ પતરાળી એક હાથ આવી હરખાય..ભૂંડી૦
નાતના ચાકર લાકડી લૈને મારવા સૌને ધાય
એ ધમાલમાં રુદકીના થાળ કૂતરાં તાણી જાય…ભૂંડી૦
પાનબીડાં લઈ નાત ઊઠે ને રૂડકી ખંખેરે હાથ
દુનિયા કેરી દોરંગી લીલા દેખે દીન નો નાથ..ભૂંડી૦
હિન્દી સાહિત્યના મહાકવિ સૂર્યકાન્ત ત્રિપાઠી ” નિરાલા ” ની પણ એક રચના ” ભિક્ષુક ” માં પણ એક પંક્તિ આ ભાવથી જુઓ:
” ચાટ રહે વે જૂઠી પત્તલ વે સભી સડક પર ખડે હુએ
ઔર ઝપટ લેને કો ઉનસે કુત્તે ભી હે અડે હુએ..”
એક ગુજરાતી કહેવત છે: ” પેટની પતરાળી થવી ” જેનો અર્થ છે ભૂખથી પેટ બેસી જવું અર્થાત ખૂબ ભૂખ લાગી છે તેવું કહેવું એમ પણ કહી શકાય. ભગવદ્ગોમંડલમાં નીચે મુજબ અર્થ પણ છે:
(૧) પતરાવળ મંગાવવી = મંદિરમાં ધરાવેલા પ્રસાદમાંથી વેચાતું ભાણું મંગાવવું.
(૨) પતરાવળ માંડવી = જમવા પંગત બેસાડવી , પીરસવા માટે પતરાળું મૂકવું , ભાણું મૂકવું કે પીરસવું ; પીરસણું.
એક સમયે લગ્નોમાં અને સમૂહ ભોજન સમારંભોમાં પતરાળામાં ભોજન લીધાનો મને લ્હાવો મળ્યો છે ગૌરવ સાથે આનંદ છે. આ પ્રથા ફરીથી સાર્વજનિક પ્રથા બને તો ખરેખર આનંદ બેવડાશે!
■ © ડૉ. રમણિક યાદવ ■
■ તા. ૨૪ ઓગસ્ટ ૨૦૨૦ ■
■ મારા પુસ્તક ” વિરાસતનો વૈભવ – લોકજીવનમાંથી વીસરાતાં જતા પ્રતીકો, પ્રસંગો અને પ્રથાઓ ” માંથી.
■ તસ્વીર સૌજન્ય – ગુગલ.
■ એક નમ્ર વિનંતી કે જો લેખ ગમે તો તસ્વીરો પર જુદી ટિપ્પણી ના કરશો. મૂળ લેખ નીચે જ ટિપ્પણી કરવા વિનંતી છે.