અમદાવાદ સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટર દ્વારા ‘પ્લાઝમા કલેક્શન મોબાઈલવાન’નો શુભારંભ કરવામાં આવ્યો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટર દ્વારા ‘પ્લાઝમા કલેક્શન મોબાઈલવાન’નો શુભારંભ કરવામાં આવ્યો. ‘પ્લાઝમા થેરાપી’ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

૯૯૭૮૯ ૮૫૬૫૩ નંબર પર પ્લાઝમા ડોનેટ વિશેની સંપૂર્ણ માહિતી
આપવામાં આવશે

જીએનએ અમદાવાદ: કોવિડ૧૯ ની મહામારીમાં પ્લાઝમા થેરાપી કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ખૂબજ આશીર્વાદરૂપ બની છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં પ્લાઝમા એકત્ર કરવાના હેતુથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઑફ ઈમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન (IHBT) દ્વારા આજે ‘પ્લાઝમા કલેક્શન મોબાઈલવાન’ નો શુભારંભ સિવિલ હોસ્પિટલના ખાસ ફરજ પરના અધિકારી ડૉ. એમ.એમ.પ્રભાકરના હસ્તે કરવામાં આવ્યો છે. કોરોનાને મ્હાત આપી સાજા થયેલાં દર્દીઓનાં ઘર આંગણેથી જ પ્લાઝમા એકત્ર કરવામાં મદદરૂપ બનશે.

આ માટે હેલ્પલાઈન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. ૯૯૭૮૯ ૮૫૬૫૩ નંબર પર પ્લાઝમા ડોનેટ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. પ્લાઝમા ડોનેટ કરવા ઈચ્છતા ડોનર ઉપરોક્ત મોબાઈલ નંબર પર એપોઈમેન્ટ પણ લખાવી શકશે. પ્લાઝમા ડોનેટ કરનાર તમામ ડોનરને સર્ટિફેક્ટ પણ આપવામાં આવશે. મોબાઈલ બ્લડ બેંકમાં જ પ્લાઝમા એકત્ર કરવા માટેનું “એફેરેસિસ મશીન” રાખવામાં આવ્યું છે. રૂ. ૧૬ લાખના ખર્ચે આ મશીનને ખરીદવામાં આવ્યું છે.

રક્તદાતાને તમામ પ્રકારની માહિતી આપી અને મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ જ એફેરેસિસ મશીનમાં લોહીના ઘટકો અલગ પાડીને ૫૦૦ મીલી પ્લાઝમા એકત્ર કરાવામાં આવે છે અને બાકીના રક્તદાતાના શરીરમાં પરત આપી દેવામાં આવે છે. કન્વેર્લિસેન્ટ પ્લાઝમા ડોનેશન એકદમ સરળ અને સંપૂર્ણપણે સુરક્ષિત પક્રિયા છે. જેમાં માત્ર લોહીનો એક જ ઘટક પ્લાઝમા લેવામાં આવે છે. પ્લાઝમા ડોનર એકવાર ડોનેટ કર્યા બાદ બીજા ૧૫ દિવસ પછી ફરી કન્વેર્લિસેન્ટ પ્લાઝમા ડોનેટ કરી શકે છે. દરેક દર્દીને ૨૦૦ મિલી લિટર કન્વેર્લિસેન્ટ પ્લાઝમાના બે ડોઝ ચડાવવામાં આવે છે. ૧૦૦ મીલી પ્લાઝમા સંશોધન પક્રિયા માટે રાખવામાં આવે છે. પ્લાઝમા ડોનેટની સમગ્ર પક્રિયા ૧ કલાકમાં પૂર્ણ કરવામાં આવે છે.

ડિપાર્ટમેન્ટ ઑફ ઈમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન (IHBT) દ્વારા અદ્યત્તન મશીન મારફતે કોવિડના સાજાં થયેલા દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા માટે ફોન કરીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. ડોનર પાસેથી પ્લાઝમા એકત્ર કરતી વખતે ICMR અને NBTC ની ગાઈડલાઈનને સંપૂર્ણપણે અનુસરવામાં આવે છે. પ્લાઝમા લેતી વખતે ડોનરનું એન્ટી બોડી સ્ક્રિનિંગ ટેસ્ટ પણ કરવામાં આવે છે. કોરોનામુક્ત થયેલાં દર્દીમાં એન્ટીબોડી ડેવલપ થાય તેનું જ પ્લાઝમા લેવામાં આવે છે. આ પ્લાઝમામાં કોરોના વાયરસ સામેની એન્ટીબોડી હોય છે.

સિવિલ હોસ્પિટલના ખાસ ફરજ પરના અધિકારી ડૉ.એમ.એમ.પ્રભાકરે જણાવ્યું કે “કોવિડનાં સ્વસ્થ થયેલાં દર્દીઓ પ્લાઝમા ડોનેટ કરવા માટે આગળ આવે તે જરૂરી છે. પ્લાઝમામાં કોરોના વાયરસ સામેની એન્ટીબોડી હોય છે. કોરોનાની બીમારીમાંથી સ્વસ્થ થયેલાં લોકો પાસેથી પ્લાઝમા એકત્ર કરવા માટે ‘પ્લાઝમા કલેક્શન મોબાઈલ વેન’ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. જે.પી.મોદીએ કહ્યું કે “કોરોનાના દર્દીઓના સ્વાસ્થ્યમાં પ્લાઝમા ટ્રાન્સમિશનથી ખૂબ જ ઝડપથી સુધારો જોવા મળે છે જેને પરિણામે પ્લાઝમા ડોનર સરળતાથી ડોનેટ કરી શકે તે માટે આ મોબાઈલ વેનની શરૂઆત કરવામાં આવી છે”.

ડિપાર્ટમેન્ટ ઑફ ઈમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન (IHBT) ના પ્રોફેસર ડૉ. મૈત્રેય ગજ્જર અને એસોસિયેટ પ્રોફેસર ડૉ. નિધિ ભટનાગરે જણાવ્યું હતું કે “સિવિલ હોસ્પિટલ ખાતે પ્લાઝમા એફેરેસિસ પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. કોરોનાને મ્હાત આપી સાજા થયેલા દર્દીઓના પ્લાઝમામાં રોગપ્રતિકારક એન્ટીબોડી હોવાની શક્યતા સૌથી વધારે હોય છે. સાજા થયેલાં દર્દીના પ્લાઝમાને “કન્વેર્લિસેન્ટ પ્લાઝમા” કહેવાય છે જે કોરોનાના દર્દીને આપવાથી દર્દી સાજો થવાની શક્યતા વધી જાય છે. પ્લાઝમા ડોનરની અનુકુળતા મુજબ પ્લાઝમા એકત્ર કરવા માટે આ વેનની સુવિધા શરૂ કરાઈ છે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલમાં ડેડિકેટેડ ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલ ખાતે દેશની સૌપ્રથમ પ્લાઝમા બેન્ક ૨૪ જૂનથી કાર્યરત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૬૭ પ્લાઝમા ડોનર દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે જેમાં ૪૯ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સનો પણ સમાવેશ થાય છે. ૫ ડોક્ટર્સએ બે વાર રક્તદાન કર્યું છે. અત્યાર સુધીમાં ૫૨ દર્દીઓને પ્લાઝમા થેરાપી આપી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં રાજકોટ, ભાવનગર સહિત રાજ્યની અન્ય ખાનગી હોસ્પિટલોને પણ પ્લાઝમા આપવામાં આવે છે.