કોરોનાનો કહેર: અમદાવાદની ઓળખ રતનપોળમાં રોજની એક દુકાન બંધ થઈ રહી છે.

ભાડેથી દુકાન ચલાવતા વેપારીઓને ત્રણ મહિનામાં એક રૂપિયાની પણ આવક થઇ નથી ત્યારે ભાડું ચડતું જાય છે

હજુ કેટલા દિવસ સુધી ગ્રાહકોની રાહ જોતા બેસી રહેવાનું, વ્યાપારીઓની ધીરજ ખૂટી પડી

રતનપોળ એટલે આખા ગુજરાતમાં કાપડ બજારની કોઈપણ ફેશન ની શરૂઆત રતનપોળથી થાય. લગ્નસરામાં ખરીદી કરવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો રતનપોળમાં જ આવે. આ રતનપોળને જાણે કે કોરોનાનું ગ્રહણ લાગી ગયું હોય તેમ રોજેરોજ એક એક દુકાન બંધ થઈ રહી છે. અનલોક ની શરૂઆત થઈ ત્યારથી જ રતનપોળમાં રોજની એક દુકાન બંધ થઈ રહી છે. ભાડેથી દુકાન રાખી ધંધો કરતા વેપારીઓની સ્થિતિ દયનીય બની જતાં તેમનેેે દુકાન બંધ કરવી પડે છે. ત્રણ મહિનાથી કોઈ ધંધો નથી અને આગામી ઘણા દિવસો સુધી ગ્રાહકો આવવાના નથી તેનેેેે કારણે વેપારીઓની ધીરજ ખૂટી પડી છે.

કોરોનાની મહામારીને લઈને ભારત સહિત ઘણા બધા દેશની ઈકોનોમી ડામાડોળ થઈ ગઈ છે. લગભગ 70 દિવસ સુધી રહેલા લોક ડાઉનમાં તમામ વેપાર ધંધા ઉદ્યોગો બંધ રહ્યા. હજુ પણ બજારમાં જાણે કે ખરીદી શરુ નહીં થતી હોય તેવી સ્થિતિ છે. આ પરિસ્થિતિમાં રતનપોળમાં ભાડાની દુકાન માં ધંધો કરતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

વેપારીઓની ફરિયાદ છે કે ત્રણ મહિના દુકાનો બંધ રહી પરંતુ તેનું ભાડું તો ચૂકવવું જ પડ્યું. કર્મચારીઓને પગાર પણ ચૂકવવો જ પડ્યો ટેક્સ અને અન્ય ખર્ચ આ ચાલુ રહ્યા. જ્યારે આવકના નામે હજુ મીંડુ જ છે. દુકાન માલિકને ભાડામાં કોઈ રાહત કરી આપવા માટે કે દિવાળી સુધી ક્રેડિટ આપવાની રજૂઆત કરીએ તો તેઓ નકારી રહ્યા છે. જોકે તેમની પણ આવક આ ભાડું હોવાથી તેમને ક્રેડિટ રાખવાની કોઈ જગ્યા નથી.

માટે જ અનલોક શરૂ થયું અને બજારો ખુલ્યા ત્યારથી રતનપોળમાં રોજની એક દુકાન બંધ થઈ રહી છે. આ મહિનામાં 25થી વધુ દુકાનો રતનપોળમાં બંધ થઈ ગઈ છે. જેને કારણે અન્ય વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે. બીજી તરફ જે ભાડાની દુકાન ખાલી કરી વેપારીઓ જઈ રહ્યા છે કે દુકાનમાં નવા ભાડુઆત અત્યારે મળતા નથી જેને કારણે દુકાન માલિકો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

રતનપુર ના વેપારીઓ કહી રહ્યા છે કે લગ્નસરામાં જ્યારે આખા વર્ષનો ધંધો થઈ જતો હોય છે એ લગ્નસરો જ આ વખતે શરૂ થયો નહીં તેને કારણે તમામ વેપારીઓને મોટું નુકસાન થયું છે. ફેબ્રુઆરી-માર્ચમાં વેપારીઓએ લગ્નસરા માટે મોટો સ્ટોક કરી દીધો હતો. જે પણ દુકાનો લાંબો સમય બંધ રહેતા ઘણો માલ બગડી જવાથી વેપારીઓને નુકસાન થયું છે.