ગુજરાતમાં NCC યોગદાન કવાયત વિશે મીડિયા અપડેટ.

NCC યોગદાન કવાયતના ભાગરૂપે, ગુજરાતના NCC ડાયરેક્ટોરેટ દ્વારા કોવિડ-19 સામેની લડાઇમાં નાગરિક વહીવટીતંત્રને વધુને વધુ સ્થળોએ સહકાર આપવા માટે સ્વયંસેવકો નિયુક્ત કરવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે. આજની તારીખની માહિતી અનુસાર, NCCના કુલ 02 અધિકારી, 558 કેડેટ્સ, 52 ANO અને 63 કાયમી ઇન્સ્ટ્રક્ટરની ગુજરાતમાં વિવિધ સ્થળે નિયુક્તિ કરવામાં આવી છે.

ગાંધીધામ : 6 ગુજરાત નૌસેના યુનિટના 88 સ્વયંસેવક કેડેટ્સની સાથે 05 ANO અને 08 કાયમી ઇન્સ્ટ્રક્ટરને શહેરમાં અને આદીપૂર તેમજ અંજાર ખાતે અલગ અલગ 10 જગ્યાએ ટ્રાફિક સંચાલનમાં પોલીસની મદદ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નિયુક્તિના કેટલાક સ્થળોમાં મુંદ્રા સર્કલ, ચાવલા ચોક, ઓસ્લો સર્કલ અને ચિત્રકુટ સર્કલ પણ છે. કેડેટ્સ તેમની ફરજ દરમિયાન કોવિડ-19થી બચવા માટે કેવી તકેદારી રાખવી તે અંગે પણ લોકોને સમજાવતા જોવા મળ્યા હતા.

નડિયાદ : 65 સ્વયંસેવક કેડેટ્સ, 07 કાયમી ઇન્સ્ટ્રક્ટર અને 06 ANOને નડિયાદ, વાસો, મહેમદાવાદ ખાતે નાગરિક વહીવટીતંત્રની મદદ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ કેડેટ્સે ટ્રાફિક સંચાલન, બેંકો અને ATM પર લોકોની કતારના વ્યવસ્થાપનમાં સક્રીયપણે મદદ કરી હતી અને વિવિધ સ્થળે અન્ન વિતરણ કાર્યોમાં પણ ભાગ લીધો હતો.

બનાસકાંઠા : 35 ગુજરાત બટાલિયનના 86 સ્વયંસેવક કેડેટ્સ, 08 ANO અને 06 કાયમી ઇન્સ્ટ્રક્ટરને કર્નલ અમિત પૂર્તિના નેતૃત્વમાં વડગાંવ, પાલનપુર અને ડીસામાં વિવિધ સ્થળે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ કેડેટ્સ ટ્રાફિસ સંચાલનમાં પોલીસની મદદ કરવા માટે ખૂબ જ ઉત્સાહી જોવા મળ્યા હતા.

ભરૂચ : ભરૂચ શહેર અને અંકલેશ્વરમાં 22 સ્વયંસેવક કેડેટ્સ અને 02 ANOને ડેટા વ્યવસ્થાપન અને ટ્રાફિક સંચાલનમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. આ કેડેટ્સે કોવિડ-19 સામે લડવા માટે કેવી તકેદારી રાખવી તે અંગે લોકોને સમજાવ્યા હતા.

આણંદ : 25 સ્વયંસેવક કેડેટ્સ, 01 ANO અને 02 કાયમી ઇન્સ્ટ્રક્ટરને આણંદમાં ત્રણ સ્થળે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમામ કેડેટ્સે ટ્રાફિક સંચાલનમાં પોલીસને મદદ કરવા માટે અને સ્થાનિક લોકોને મદદ કરવામાં ખૂબ સક્રીયપણે ભાગ લીધો હતો. વધુમાં, NCC કેડેટ્સને જામનગર, ભૂજ, હિંમતનગર, નવસારી, ગાંધીનગર, જુનાગઢ અને રાજકોટ ખાતે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.