*દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કરાવતા કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા*
એબીએનએસ – દેવભૂમિ દ્વારકા ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તેમજ કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ પ્રારંભ કરાવ્યો હતો.
આ તકે કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા એ જણાવ્યું હતું કે, કલા મહાકુંભનો ઉદેશ પ્રતિભાશાળી કલાકારોને આગળ આવવાની તક મળે અને કલાકારોની આંતરિક શક્તિઓને પુરસ્કૃત કરવાનો છે. યુવાઓમાં રહેલી કલાત્મક પ્રતિભાઓને બહાર લાવવા માટે સરકાર દ્વારા આયોજિત કલા મહાકુંભ જેવા કાર્યક્રમો ખૂબ મહત્વના બની રહે છે. કલાકારો સાંસ્કૃતિક ધરોહરના સાચા પ્રહરીઓ છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકો અને યુવાઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા માટેનું આ પ્રથમ પગલું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હંમેશા કહે છે કે વિકાસની સાથે સાથે સાંસ્કૃતિક વારસાનું જતન થાય તે જરૂરી છે. છેવાડાના ગામડાથી લઈ શહેર સુધી કલાત્મક વાતાવરણનું નિર્માણ થાય અને પ્રતિભાશાળી કલાકારોને આગળ આવવાની તક મળે છે. તેમજ સૌ કલાકાર મિત્રોને પોતાની કલા ક્ષેત્રે ખુબ પ્રગતિ કરવા તેમજ રાજયકક્ષાની સ્પર્ધાઓમાં પણ વિજય મેળવે તેમ શુભેચ્છા પાઠવી હતી.
આ તકે અગ્રણી પી.એસ. જાડેજાએ જણાવ્યું હતું કે,
બાળકો અને યુવામાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા માટેનું આ અનેરું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્લેટફોર્મના માધ્યમથી ભવિષ્યમાં કલા ક્ષેત્રે આગળ વધી શકાશે. માટે બાળકો અને યુવાઓ મનમાં કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર તેમની અંદર રહેલી કલાને બહાર લાવે તેવી શુભકામના પાઠવું છે.
આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારી પરબતભાઇ હાથલિયાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
તાલુકા કક્ષા કલા મહાકુંભની સ્પર્ધાઓ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષાએ કુલ ૨૩ જેટલી સ્પર્ધાઓ યોજવામાં આવે હતી.
આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, અગ્રણી પ્રતાપભાઈ પિંડારિયા, ભરતભાઈ ચાવડા, શૈલેષભાઈ કણજારિયા, એભાભાઈ કરમુર, કાનાભાઈ કરમૂર, મોહિતભાઈ મોટાણી, કિશોરસિંહ જાડેજા, વિજયભાઈ નંદાણીયા, ઇન્દ્રજીતસિંહ પરમાર, રેખાબેન ખેતિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.