*બનાસકાંઠા પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ: જિલ્લામાં ૨૭ ગામોને વ્યસનમુક્ત કરાશે* 

*બનાસકાંઠા પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ: જિલ્લામાં ૨૭ ગામોને વ્યસનમુક્ત કરાશે*

જીએનએ પાલનપુર: બનાસકાંઠા પોલીસ વિભાગ દ્વારા એક નવતર પ્રયોગ ‘આદર્શ ગામ સંકલ્પ’ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના કુલ- ૨૭ પોલીસ સ્ટેશનો પોતાના વિસ્તારના ૧-૧ ગામને સંપૂર્ણ વ્યસનમુક્ત કરવાનો સંકલ્પ લઇને એ દિશામાં કાર્ય કરશે. આજે પૂજ્ય મહંતશ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજશ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબ તથા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં ડીસા તાલુકાના લુણપુર ગામને વ્યસનમુક્ત બનાવવાના શપથ સાથે જિલ્લામાં કુલ- ૨૭ ગામોને વ્યસનમુક્ત કરવાના શપથ લેવડાવવામા આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષથી પૂજ્ય મહંતશ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી આનંદ પરિવાર દ્વારા “ચાલો બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવીએ” આ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં કુલ-૨૫ જટેલાં ગામોમાં સંપૂર્ણ અફીણબંધી અને દારૂબંધી કરવામાં આવી છે.

આ અભિયાનમાં હવે એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. બનાસકાંઠા પોલીસ વિભાગ હવે ‘આદર્શ ગામ સંકલ્પ’ યોજના હેઠળ દરેક પોલીસ સ્ટેશનમાં ૧-૧ ગામને વ્યસનમુક્ત કરશે. આમ આનંદ પરિવારે વ્યસનમુક્ત કરેલા ૨૫ ગામો મળીને જિલ્લામાં કુલ-૫૨ ગામોને વ્યસનમુક્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં આ ૫૨ ગામો સહિત કુલ-૮૦ થી ૧૦૦ જેટલાં ગામોનો ભવ્ય વ્યસનમુક્તિ કાર્યક્રમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં યોજવાનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પોલીસ વડાઓને ઉપસ્થિત રાખી બનાસકાંઠા જિલ્લામાંથી શરૂ થયેલ વ્યસનમુક્તિ અભિયાન સમગ્ર ગુજરાતમાં ચલાવવામાં આવશે.

આ પ્રસંગે પૂજ્ય ગુરુમહારાજ સાહેબે પોલીસ જવાનોને સંબોધતા જણાવ્યું કે, પોલીસ એ માત્ર પોલીસ નથી પરંતુ દેશના લોકોનો અતૂટ વિશ્વાસ છે. બહેન તો ભાઈના હાથ પર રાખડી બાંધે છે પણ બહેનોની રક્ષાનું કામ ખાખી વર્દીધારી પોલીસ કરે છે. તેમણે કહ્યું કે, ખાખી કપડું એ નિ:સ્પૃહતાની નિશાની છે. દેશમાં બે જ ડ્રેસકોડ નિ:સ્પૃહતાના પ્રતિક છે. જેમાં એક સાધુસંતોના સફેદ અથવા ભગવા કપડા અને પોલીસના ખાખી કપડાનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યુ કે, બનાસકાંઠા જિલ્લાના પોલીસ વિભાગે આનંદ પરિવારના વ્યસનમુક્તિના અભિયાનમાં ખૂબ સારો સહકાર આપ્યો છે જે અભિનંદનને પાત્ર છે.

આ પ્રસંગે બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, પૂજ્ય ગુરૂમહારાજ એકલા હાથે જો વ્યસનમુક્તિ અને સમાજ સુધારણાનું આટલું સરસ કાર્ય કરી રહ્યા હોય તો પોલીસ કેમ ન કરી શકે. ગુરૂમહારાજના જીવનમાંથી પ્રેરણા મેળવી સમગ્ર જિલ્લામાંથી વ્યસન નાબૂદ કરવા પોલીસ પ્રતિબધ્ધ હોવાનું જણાવી તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાને વ્યસનમુક્ત બનાવવા સૌપ્રથમ ૨૭ પોલીસ સ્ટેશન વિસ્તારના ૧-૧ ગામથી શરૂઆત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, દારૂના વેચવાના ધંધામાંથી મહિલાઓ બહાર આવે તે માટે દારૂ વેચવાનું બંધ કરનારી મહિલાઓને પોલીસ વિભાગ દ્વારા સિલાઈ મશીન આપીને નવી રોજગારી તરફ વાળવાના રચનાત્મક કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પર્યાવરણના જતન માટે પોલીસ વિભાગ દ્વારા હાલમાં ૫૦,૦૦૦ જેટલું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં આઇપીએસ અધિકારી સુબોધજી માનકર, ૪ નાયબ પોલીસ અધિક્ષક, ૨૭ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઇ સહિત વિશાળ સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

આ ૨૭ ગામોને વ્યસનમુક્ત કરાશે: બનાસકાંઠા જિલ્લાના આ ૨૭ ગામોને વ્યસનમુક્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હરીપુરા, બાવરીડેરા, મોરિયા, કુંભારીયા, ભચડિયા, ભુખલા, ટિંબાચૂડી, મંડાલી, કણઝરા, ટાકરવાડા, ધનપુરા ઢોળીયા, દેવસરી, રાણોલ, અભેપુરા, ચતરપુરા, ગરાબડી, માવસરી, મોટા મેડા, ચાતરવાડા, નવા, ખારા, ચીમનગઢ, સાયનગઢ, સોતમલા ગામનો સમાવેશ થાય છે.