ગુજરાતનાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રેરણારૂપ શિક્ષક મિલન પટેલનો વિદાય સમારંભ યોજાયો
કામરેજ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત 100 % આદિવાસી બાળકો ધરાવતી ધોરણ 1 થી 5 ની દા.ફ.ઊંભેળ શાળામાં છેલ્લાં 15 વર્ષથી ફરજ બજાવતાં આચાર્ય મિલનકુમાર મોહનભાઈ પટેલનો વિદાય સન્માન સમારોહ ગુજરાત સરકારનાં રાજ્યકક્ષાનાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે બિલકુલ પછાત વિસ્તારમાં આવેલી શાળાને D ગ્રેડ માંથી પ્રગતિ કરી છેલ્લાં પાંચ વર્ષથી સતત A+ ગ્રેડ સુધી પહોંચાડીને રાજ્યનાં તમામ શિક્ષકો માટે એક અનોખો રાહ ચીંધનાર મિલનકુમાર પટેલે શાળાને તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષા સુધીનાં સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર તથા શ્રેષ્ઠ શાળા પુરસ્કાર આપવામાં સિંહફાળો આપ્યો છે. તેમને રાજ્યકક્ષાનાં ચિત્રકૂટ એવોર્ડનું સન્માન પણ પ્રાપ્ત થયેલ છે. ગ્રામજનોનાં સહકાર, લોકભાગીદારી તેમજ ગ્રામ પંચાયત તથા વહીવટીતંત્ર સાથે ઉમદા સંકલન કરીને શાળાને એક આગવા મુકામ સુધી લઈ જનાર આ શિક્ષકનાં વિદાય સમારંભમાં સમગ્ર ગામ ઉમટી પડ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. ડી.આર.દરજી, સુમુલ ડેરીનાં ડિરેક્ટર બળવંતભાઈ પટેલ, આરોગ્ય સમિતિનાં પૂર્વ ચેરમેન જગુભાઈ પટેલ, ચૂંટાયેલ જન પ્રતિનિધિશ્રીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં ઇન્ચાર્જ પ્રમુખ મહેશ હિરપરા, મહામંત્રી સિરાજભાઈ, કાર્યવાહક પ્રમુખ સાગરભાઇ, રાજ્ય સંઘનાં ઉપપ્રમુખ રીનાબેન, કેન્દ્રનાં તમામ શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રારંભે સ્વાગત પ્રવચન દર્શન પટેલે કર્યું હતું. જ્યારે કોસમાડી પ્રાથમિક શાળાનાં આચાર્ય યાસીનભાઈ મુલતાનીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. અંતમાં આભારવિધિ કેન્દ્રાચાર્ય સુરેશ પંચાણીએ આટોપી હતી.