*૧૧ મી જુલાઇ “વિશ્વ વસ્તી દિવસ”*
…………
*વસ્તી નિયંત્રણ માટે વર્ષ ૨૦૩૦ સુધીના ૨.૧ ટકા પ્રજનન દર ના લક્ષ્યાંકની સામે ગુજરાતે વર્ષ ૨૦૨૦ માં જ ૧.૯ ટકાનો લક્ષ્યાંક હાંસલ કર્યો ( NFHS-5 સર્વે)*
………..
*રાજ્યમાં વર્ષ ૨૦૨૨-૨૩ માં ૬.૬૪ લાખ બહેનોએ કોપર ટી (IUCD-ઇન્ટ્રા યુટ્રાઇન કોન્ટ્રાસેપ્ટીવ ડિવાઇઝ) મૂકાવી*
……….
*વર્ષ ૨૦૨૨-૨૩ માં ૩.૦૮ લાખ મહિલાઓ અને ૧,૨૨૩ પુરુષોએ નસબંધીનું ઓપરેશન કરાવ્યું*
……………..
*રાજ્યમા ૨૭ જુનથી ૧૦ જુલાઇ દરમિયાન દંપતિ સંપર્ક પખવાડિયુ ઉજવાયું- કુટુંબ નિયોજન જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા*
………………
*૧૧ જુલાઇ થી ૨૪ જુલાઇ જન સંખ્યા સ્થિરતા પખવાડિયું ઉજવાશે*
………………
પ્રસુતિ બાદ ૪૮ કલાકમાં કોપર ટી સરકારી સંસ્થા કે માન્ય કુટુંબ કલ્યાણ કેન્દ્રમાં મૂકવામાં આવે છે
*******************
૧૧ મી જુલાઇ સમગ્ર વિશ્વમાં “વિશ્વ વસ્તી દિવસ” ઉજવાય છે. ગુજરાત રાજ્યમાં વસ્તી નિયંત્રણ ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી કરવામાં આવી રહી છે.
વસ્તી નિયંત્રણ માટે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૨.૧ ટકા પ્રજનન દર ના લક્ષ્યાંકની સામે ગુજરાતે વર્ષ ૨૦૨૦ માં જ ૧.૯ ટકાનો લક્ષ્યાંક સિધ્ધ કર્યો છે. નેશનલ ફેમીલી હેલ્થ સર્વે-5ના આંકડા આ સિધ્ધી દર્શાવે છે.
જેના માટે લાંબા સમયથી ગુજરાત સરકાર ના આરોગ્ય વિભાગ દ્વારા કુટુંબ નિયોજન ક્ષેત્રે કરવામાં આવી રહેલી શ્રેષ્ઠત્તમ કામગીરીનું આ પરિણામ છે.
સામાન્ય પણે બે બાળકો વચ્ચે અંતર રાખવા માટે સ્ત્રીઓમાં પ્રસુતિ બાદ કોપર ટી મૂકવામાં આવે છે.
વર્ષ ૨૦૨૨-૨૩ માં રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મળીને કુલ ૬.૬૪ લાખ જેટલી બહેનોએ કુટુંબ નિયોજન માટે કોપર ટી મૂકાવી છે. તેમાં પણ સરકારી હોસ્પિટલમાં થયેલ પ્રસૂતિમાંથી કુલ ૪ લાખ જેટલી બહેનોએ PPIUCD(પોસ્ટ પાર્ટમ ઇન્ટ્રા યુટ્રાઇન કોન્ટ્રાસેપ્ટીવ ડિવાઇઝ) પ્રસૂતિ બાદના ૪૨ દિવસમાં જ કોપર ટી મૂકાવી છે.
વધુમાં કુટુંબ નિયોજન સ્ત્રી વ્યંધિકરણ માટે કરવામાં આવતા ઓપરેશનમાં પણ રાજ્યમાં કુલ ૩,૦૮,૯૭૬ બહેનોએ સ્ટરીલાઇઝેશન ઓપરેશન અને ૧,૨૨૩ પુરુષોએ નસબંધી કરાવી છે.
રાજ્યમાં વસ્તી નિયંત્રણ માટે વધુમાં વધુ જાગૃકતા કેળવાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ૨૭ જુનથી ૧૦ મી જુલાઇ દરમિયાન દંપતિ સંપર્ક પખવાડિયુ ઉજવાયું હતું. હવે ૧૧ જુલાઇ થી ૨૪ જુલાઇ જન સંખ્યા સ્થિરતા પખવાડિયું ઉજવવામાં આવશે.
…………………………………….
-અમિતસિંહ ચૌહાણ