*કેબિનેટમંત્રી અને જામનગર જિલ્લા પ્રભારીના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ*

જીએનએ જામનગર: જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મંત્રીશ્રીએ જામનગર જિલ્લાના તમામ તાલુકાઓના પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારીઓ પાસેથી તાલુકામાં હાથ ધરવામાં આવેલ કામો અને પૂર્ણ થયેલ કામો અંગેની વિગતો મેળવી બાકી રહેલા કામો ત્વરિત પૂર્ણ થાય તે દિશામાં કામગીરી કરવા માટે સૂચનો આપ્યા હતા.

આ બેઠકમાં વર્ષ ૨૦૨૩-૨૪ની વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની ૧૫% વિવેકાધીન જોગવાઈ અને ૫% પ્રોત્સાહક જોગવાઇના કામો મંજૂર કરવા, કામોની સમીક્ષા, સ્થાનિક વિસ્તાર વિકાસ કામોની સમીક્ષા તેમજ વર્ષ ૨૦૨૩-૨૪ માટે કયા કામો હાથ ધરવામાં આવશે તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં મંત્રીશ્રીએ તમામ તાલુકાઓના પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારીઓ પાસેથી તાલુકામાં કેટલા રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાઇ છે, કયા કામો હાથ ધરવામાં આવ્યા છે, કયા કામો પ્રગતિ હેઠળ છે. તેમજ જામનગરજિલ્લાના લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે પ્રકારે આયોજન હાથ ધરી કામો કરવા માટે સૂચનો આપ્યા હતા, તેમજ જામનગર શહેરના વિકાસ માટે કયા પ્રકારના કામો હાથ ધરવા જોઈએ તે અંગે પણ સમીક્ષા કરી હતી. તેમજ આયોજન મંડળના સભ્યોની રજૂઆતો સાંભળી પ્રશ્નોના ત્વરિત ઉકેલ લાવી જામનગર જિલ્લાનો વિકાસ થાય તે દિશામાં પ્રયત્ન કરવા અંગે ચર્ચા કરી હતી.

 

જિલ્લા આયોજન મંડળની આ બેઠકમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, જિલ્લા કલેકટરશ્રી ડૉ. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ, અધિક નિવાસી કલેકટર બીએન ખેર, જિલ્લા આયોજન મંડળના સભ્યો, તાલુકા વિકાસ અધિકારીઓ, પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

*+++++++++++*