ઓલપાડનાં કીમામલી સ્થિત કે.વી.ક્લબ ખાતે પ્રિન્સ પટેલે ધુંઆધાર સદી ફટકારી

ઓલપાડ તાલુકાનાં કીમામલી ગામે કે.વી.ક્લબ આયોજીત સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટની એક લીગ મેચ જનતા ઇલેવન, સુણેવખૂર્દ અને આર.સી.બી. ઇલેવન, સાયણ વચ્ચે રમાઇ હતી.

સદર મેચમાં ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં જનતા ઇલેવનની ટીમે નિર્ધારિત ૪૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવી ૨૭૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. આર.સી.બી. ઇલેવનની ટીમે આ જુમલાને ચેઝ કરતાં ૩૯.૪ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી ૨૭૯ રન બનાવી જીત હાંસલ કરી હતી.

આ પડકારભર્યા ટાર્ગેટને ચેઝ કરવા વનડાઉન સ્થાને ઉતરેલા પ્રિન્સ પટેલે ૧૨૮.૯૦ નાં સ્ટ્રાઇક રેટથી ધુંઆધાર બેટિંગ કરી ૧૨૧ બોલમાં અણનમ ૧૫૬ રન ફટકાર્યા હતાં. જેમાં ૧૯ ચોગ્ગા અને દર્શનીય ૩ છગ્ગાનો સમાવેશ થાય છે. પ્રિન્સ પટેલની આ તોફાની બેટિંગને ઉપસ્થિત દર્શકગણે તાળીઓથી વધાવી લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ ખેલાડી અને હાલ ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત હસ્તકની વડોલી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં પરેશભાઈ પટેલનો આ હોનહાર સુપુત્ર ખેલાડી પ્રિન્સ પટેલ ભૂતકાળમાં પણ પોતાનાં કાંડાનું કૌવત દેખાડી ચૂક્યો છે. ક્રિકેટ ક્ષેત્રે આ ઉભરતાં ખેલાડીની ઉત્તરોત્તર પ્રગતિ માટે ઓલપાડ પંથકનાં ક્રિકેટપ્રેમીઓ તથા શિક્ષકગણે તેને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.