ઓલપાડ ગ્રામીણ વિસ્તારોમાં મતદાન જાગૃતિ અંગે રેલી સહિતનાં વિવિધ કાર્યક્રમો યોજાયા.

(મતદાન જાગૃતિ અંગે સમગ્ર જિલ્લાનાં શિક્ષકો અને બાળકોએ સરાહનીય કામગીરી કરી રાષ્ટ્ર ધર્મ બજાવ્યો છે : કિરીટ પટેલ પ્રમુખ, જિ.પ્રા.શિ.સંઘ, સુરત)

તારીખ 1/12/2022 નાં રોજ યોજનાર વિધાનસભાની ચૂંટણીમાં મતદારો જાગૃત બની વધુ મતદાન કરે અને લોકશાહીનાં મહાપર્વમાં સહભાગી બને એવાં શુભ આશયથી જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકની અપીલ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.દિપક દરજીનાં માર્ગદર્શન હેઠળ ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓ દ્વારા જે તે ગામોમાં બાળકો અને શિક્ષકો સાથેની મતદાન જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. પ્લે કાર્ડ, બેનર તથા સુત્રોચ્ચાર સાથે નીકળેલી રેલીએ ગ્રામીણ વિસ્તારમાં લોકોને પવિત્ર મતાધિકારનો સંદેશો પાઠવ્યો હતો.


આ પ્રસંગે બી.આર.સી. કો-ઓર્ડીનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે સદર કાર્યક્રમની સાથોસાથ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોનાં વાલીઓએ મતદાન કરવા અંગેનાં સંકલ્પપત્રો હોંશભેર ભર્યા હતાં.

તેમણે ઉમેર્યું હતું કે કેટલીક શાળાઓમાં બાળકો દ્વારા ચિત્રો, રંગોળી તથા નાટક દ્વારા પણ મતદાન જાગૃતિનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ બહુવિધ કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.