*મરુભૂમિ કચ્છના બન્ની ગ્રાસલેન્ડનો કાયાકલ્પઃ એક વર્ષમાં ઘાસના ઉત્પાદનમાં સવા ચાર લાખ કિલોનો વધારો*
*કચ્છની ઇકોસિસ્ટમ માટે મહત્વના બન્ની વિસ્તારને ફરી હરિયાળું કરવા વન વિભાગ દ્વારા ૧૨૦૦૦ હેક્ટર જમીનમાંથી ગાંડા બાવળ દૂર કરાયા*
*પાછલા આઠ વર્ષોમાં વન વિભાગો દ્વારા ૮૦થી વધુ તળાવો બનાવી જમીનમાં ખારાશ પ્રસરતી રોકવા કરેલા પ્રયાસો રંગ લાવ્યા*
ભુજ, સોમવાર:
મરુભૂમિ કચ્છ પ્રદેશમાં આવેલા એશિયાના સૌથી મોડા ઘાસિયા મેદાન એવા બન્નીમાં ઘાસનું ઉત્પાદન વધારવા માટે વન વિભાગ દ્વારા લેવાયેલા પગલાં હવે રંગ લાવી રહ્યા છે અને એક જ વર્ષમાં ઘાસના ઉત્પાદનમાં સવા ચાર લાખ કિલોનો વધારો નોંધાયો છે. ભૌગોલિક સ્થિતિને કારણે જરૂરિયાત કરતા ઓછા વરસાદ પડવાની કાયમી સ્થિતિની પીડાતા બન્નીમાં ઘાસનું ઉત્પાદન વધતા પશુઓ માટે રાહતકારક છે.
વિશ્વ વિખ્યાત સફેદ રણની તમે મુલાકાત લીધી હોય તો યાદ કરવું જોઇએ કે ખાવડાથી સફેદ રણ તરફ જતાં માર્ગમાં આવતા મેદાનને બન્ની તરીકે ઓળખવામાં આવે છે. બન્ની ગ્રાસલેન્ડ ૨૪૯૭ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. જૈવિક વિવિધતા ધરાવતો આ બન્ની વિસ્તાર કચ્છની ઇકોસિસ્ટમનું મહત્વનું અંગ છે. પશુપાલનમાં રાજ્યમાં અગ્રીમ સ્થાન ધરાવતા કચ્છના ૨૫ હજાર લોકોના પશુઓ આ બન્ની ગ્રાસલેન્ડ ઉપર નિર્ભર છે.
પાછલા કેટલાક વર્ષોમાં આ બન્ની વિસ્તાર વિવિધ પડકારોનો સામનો કરી રહ્યો હતો. ક્લાઇમેટ ચેન્જ ઉપરાંત ગાંડા બાવળનો ઉપદ્રવ, ખારાશ અને રણીકરણના કારણે બન્નીના મેદાન સાવ ભેંકાર બની ગયા હતા. હવે તેના કારણે સ્થિતિ એવી ઉભી થઇ કે સમગ્ર કચ્છના ૨૦.૮૫ લાખ જેટલા પશુઓ માટે ઘાસની જરૂરિયાત પૂરી કરી શકાતી નહોતી. કચ્છની ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરવા અને બન્ની ગ્રાસલેન્ડને ફરીથી હરીભરી કરવા માટે વન વિભાગ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેમ નાયબ વન સંરક્ષક શ્રી બી. એમ. પટેલે જણાવ્યું હતું.
બન્ની ગ્રાસલેન્ડમાં ખારાશ વધતી અટકાવવા અને તેનું રણીકરણ થતું રોકવા માટે વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૪થી અહીં જળસંચયના વ્યાપક કામો હાથ ધરવામાં આવ્યા. આ આઠ વર્ષ દરમિયાન વિવિધ યોજના તળે બન્ની ગ્રાસલેન્ડમાં ૮૦થી વધુ વન તળાવોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વરસાદી પાણીનો સારી રીતે સંગ્રહ થતાં જમીન સુધારણા સાથે ઘાસની વૃદ્ધિ માટે પણ ફાયદાકારક બન્યું છે.
આટલું નહીં, વન વિભાગ દ્વારા ૧૨૦૦૦ હેક્ટર જમીનમાંથી ગાંડા બાવળને દૂર કરવામાં આવ્યા છે. ગાંડા બાવળને દૂર કરવામાં આવ્યા છે. ગાંડા બાવળને સમૂળગા નાશ કરવાની પ્રક્રીયા બહુ જ જટીલ છે. વળી, ગાંડા બાવળ જમીનને પણ નુકસાન કરે છે.
વન વિભાગની આટલા વર્ષોની મહેનત હવે રંગ લાવી રહી છે. વર્ષ ૨૦૧૯-૨૦માં અહીં માત્ર બે લાખ કિલો ઘાસનું ઉત્પાદન થયું હતું, તેની સામે ૨૦૨૧-૨૨માં ૬.૨૫ લાખ કિલોગ્રામ ઘાસનું ઉત્પાદન થયું છે. એક જ વર્ષ સવા ચાર લાખ ઘાસનો વધારો થવો એ મહત્વની બાબત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુનાઇટેડ નેશન્સમાં પોતાના ભાષણમાં બન્ની ગ્રાસલેન્ડના રિજુવેનાઇજેશનનો સગર્વ ઉલ્લેખ કર્યો હતો. કેવડીયા ખાતે એકતા નગરમાં યોજાયેલી દેશભરના વન અને પર્યાવરણ વિભાગના મંત્રી અને અધિકારીઓની રાષ્ટ્રીય પરિષદમાં બેસ્ટ પ્રેક્ટિસ તરીકે રજૂ કરવામાં આવી હતી.
તાજેતરમાં વન વિભાગ અને મહેસુલ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કવાયત કરી બન્ની ગ્રાસલેન્ડનું ડિમાર્કેશન કરવામાં આવ્યું હતું. તેના કારણે વન વિભાગ હેઠળના અનામત વિસ્તારની સરહદો નિયત કરવામાં આવી હતી. વનીકરણની પ્રવૃત્તિ માટે આ ઘટના પણ મહત્વની બની રહી છે.
૦૦૦