સાફલ્ય ગાથા મુંદરાની “પેડ વુમન” કચ્છની ગ્રામીણ મહિલાઓમાં ફેલાવી રહી છે માસિક અંગે જાગૃતિ

કચ્છમાં પ્રથમ વાર સ્વસહાય જુથ હેઠળ સેનેટરી નેપકીન બનાવવાનો ઉદ્યોગ સ્થાપીને ૮ મહિલાઓ પગભર બની

 

સરકાર દ્વારા માર્કેટીંગ માટે હસ્તકલા મેળામાં સ્થાન અપાતા વેંચાણને મળ્યો ટેકો : સરકારી હોસ્ટેલો દ્વારા કરાતી ખરીદીથી મહિલાઓનું મનોબળ વધ્યું

ભુજ, મંગળવાર : આજની ૨૧મી સદીમાં પણ મહિલાઓ માસિકધર્મ દરમિયાન સેનેટરી નેપકિન કે મેન્સ્ટ્રુઅલ કપના બદલે ઘરેલુ કાપડનો ઉપયોગ કરી રહી છે. જેને લીધે ગ્રામીણ કક્ષાએ આરોગ્ય અંગે જાગૃતિના અભાવે મહિલાઓ જીવલેણ ચેપનો ભોગ બને છે. ત્યારે ગ્રામીણ મહિલાઓમાં જાગૃતિ આવે તેમજ તેઓને સસ્તા અને ઓર્ગેનિક સેનેટરી નેપકિન સરળતાથી મળી રહે તે માટે મુંદ્રાની “પેડ વુમન”એ કચ્છમાં પ્રથમ વાર સ્વસહાય જૂથ સ્થાપીને સેનેટરી નેપકીન બનાવવાનું સ્ટાર્ટ-અપ ઉભું કર્યું છે. જેના માધ્યમથી ૮ મહિલાઓ પગભર બની છે. ઉપરાંત કચ્છના ગામડા, શાળા, કોલેજ વગેરે જગ્યાએ પિરિયડસમાં સ્વચ્છતા તથા સેનેટરી નેપકીનનો ઉપયોગ કરવો કેટલો હિતાવહ છે તે અંગે પણ જાગૃતિનું કામ કરી રહી છે. આ કામગીરીમાં સરકાર દ્વારા ખરીદી સાથે માર્કેટીંગ પ્લેટફોર્મની સહાય આપવામાં આવતી હોવાથી આ મહિલાઓના સાહસને મજબુત પીઠબળ મળ્યું છે.

તાજેતરમાં ભુજ હાટ ખાતે હસ્તકલા મેળામાં વેંચાણ માટે આવેલા “સહેલી સ્વસહાય જૂથ- મુંદરા”ના ચેતનાબેન પટેલ અને મયુરીબેન પટેલ સમગ્ર સ્ટાર્ટ-અપ વિશે જણાવે છે કે, પિરિયડસને લઇને ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ અનેક મહિલાઓ કેટલીક માન્યતાઓને વશ થઈને કાપડનો જ વપરાશ કરવો યોગ્ય છે તેવા વિચાર સાથે જીવી રહી છે. જેના કારણે તેઓ અનેક રોગોનો ભોગ બને છે. આજના બદલાતા યુગમાં આ મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવા સાથે તેઓ પગભર બને તે પણ જરૂરી છે. તેથી સામાજિક સંસ્થાની સહાયથી કંઇક અલગ ઉદ્યોગ સ્થાપવાના નિર્ધારથી સેનેટરી નેપકીન બનાવવાની કામગીરી એક વર્ષ પહેલા આરંભી હતી. હાલ આ ગૃહઉદ્યોગ સાથે ૮ મહિલાઓ જોડાઇને પગભર બની છે. ઉપરાંત સમાજમાં માસિક ધર્મના વણસ્પર્શ્યા રહેલા મુદાને લઇને જાગૃતિ પણ ફેલાવી રહી છે.

તેઓ જણાવે છે કે, સરકાર દ્વારા અમને હસ્તકલા મેળામાં સ્થાન આપવામાં આવતા પ્રથમ વાર મેળામાં ભાગ લઇને અમે અમારી પ્રોડકટનું ડેમોસ્ટ્રેશન કર્યું છે. અમારા માટે આ બાબત ખરેખર પ્રોત્સાહનરૂપ છે. કોઇ પણ ભાડા વગર સરકાર મહિલાઓને આ રીતે સ્ટોલ આપીને મદદ કરતી હોવાથી અમારી પ્રોડકટની પહોંચ તો વધી છે ઉપરાંત અમને માર્કેટીંગ, લોકોની માંગણી વગેરે અંગે પણ જાણ થાય છે. જેના કારણે પ્રોડકટને વધુ બહેતર કેવી રીતે કરી શકાય તે પણ શીખવા મળ્યું છે.

 

ચેતનાબેન ઉમેરે છે કે, સેનેટરી પેડ બનાવવા માટે અમે એક માસની તાલીમ લીધી હતી. હાલ બજારમાં જે મોંઘા ભાવના સેનેટરી પેડ મળે છે તેની સાપેક્ષે અમે જે નેપકીન બનાવી છીએ તે ૧૦ થી ૧૫ રૂપિયા સસ્તા છે. ૫ પીસ સાથેનું પેકેટ માત્ર રૂ. ૨૦માં અમે બહેનોને ઉપલબ્ધ કરાવીએ છીએ. આમ, ગુહઉદ્યોગનો મુખ્ય હેતુ રોજગારી ઉભો કરવાનો હોવા સાથે અમારી પ્રોડકટ દરેક ગરીબ-મધ્યમવર્ગીય મહિલાઓ ખરીદી શકે તેમજ કાપડના સ્થાને નેપકીન વાપરીને તેઓ જીવલેણ ચેપથી બચે તે અમારું લક્ષ્ય છે.

 

વધુમાં મયુરીબેન પટેલ જણાવે છે કે, બજારમાં મળતા મોંઘા પેડમાં કેમીકલનો ઉપયોગ કરેલો હોય છે જયારે અમારા સેનેટરી નેપકીન કોઇપણ કેમીકલ વગર બનાવાય છે, જેથી કોઇ અન્ય નુકશાન પણ થતું નથી. ઉપરાંત તેની ગુણવત્તા પણ બજારમાં મળતા વિવિધ બ્રાન્ડના મોંઘા નેપકીન જેટલી જ છે.

 

તેઓ ઉમેરે છે કે, આ સ્ટાર્ટ-અપમાં હાલ એક મશીનની મદદથી કામ કરાઇ રહ્યું છે. જેમાં દર ૧૦ સેકન્ડે ૬ પીસ બની શકે છે. આ કામ સાથે જોડાયેલી બહેનો દર માસે ૫ હજારથી વધુની કમાણી કરી રહી છે. હાલ સરકારી હોસ્ટેલ, શાળા સહિતના ઓર્ડર મળતા હોવાથી ખુબ જ સારુ વેચાણ થઇ રહયું છે. તાજેતરમાં જ કચ્છની સરકારી હોસ્ટેલમાં ૨૮ હજાર સેનેટરી નેપકીનનો ઓર્ડર પૂર્ણ કરવામાં આવ્યો છે. વધુ ૧ લાખ પેડનો ઓર્ડર મળ્યો છે. આમ, વધતા જતાં કામના કારણે વધુ એક મશીન ખરીદવાની વિચારણા છે જેથી વધુ બહેનો આ કામ સાથે જોડાઇ શકે તેમજ માંગને આસાનીથી પહોંચી શકાય.

 

મુંદરામાં ચાલતા “સહેલી સ્વસહાય જુથ”ના આ પ્રોજેકટ અંતર્ગત ૮ મહિલાઓ આસપાસના ગામની શાળા, ગામડાની બહેનો સાથે ખાસ બેઠક કરીને સેનેટરી નેપકીનના વપરાશની સમજણ, તેના ફાયદા તેમજ પિરીયડસને લઇને જાગૃતિનું કામ પણ કરી રહી છે. જેના કારણે અનેક મહિલા, કિશોરીઓ કપડાંને તિલાંજલિ આપીને સેનેટરી નેપકીન વાપરતી થઇ છે. આ બદલાવ સમગ્ર કચ્છની મહિલાઓમાં આવે તેવો હેતું હોવાનું ચેતનાબેને જણાવ્યું હતું – જિજ્ઞા વરસાણી