અંબાજી ગાયત્રી મંદીર અને મગનરામ આશ્રમ પર ગુરૂ પૂર્ણિમા પર્વ ધામધુમથી ઉજવવામાં આવ્યો

જીએનએ અંબાજી: શક્તિ ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે.અંબાજી ખાતે વિવિધ આશ્રમ આવેલાં છે ત્યારે ગુરૂ પૂર્ણિમા પર્વ અહી ધામધુમ થી ઉજવવામાં આવ્યો હતો.જેમાં ગબ્બર નવદુર્ગા મંદિર, ગણેશ આશ્રમ, ગાયત્રી મંદીર, ગબ્બર કાળ ભૈરવ મંદિર સહિત વિવિધ મંદિરો પર ગુરૂ પૂર્ણિમા પર્વ ધામધુમ થી ઉજવવામાં આવ્યો હતો.પરમ પૂજ્ય ગુરુદેવ તથા પરમ વંદનીય માતાજીના સૂક્ષ્મ સંરક્ષણ આશીર્વાદ થી ગાયત્રી તીર્થ અંબાજી મુકામે ગુરુપૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી ડાહીબેન તથા શંકરભાઈ ના અધ્યક્ષ સ્થાને યજ્ઞ,જપ અને તપ અને ગુરુ પૂજન સાથે કરવામાં આવેલ.

આદિ-અનાદી કાળથી સંપૂર્ણ જીવસૃષ્ટિને સાચા માર્ગે દોરનારા ઋષિ મુનિઓના આશીર્વાદનું મહત્વ સમજાવવામાં આવ્યું.છેલ્લા પાંચ દિવસ થી ૧૦૦ ઉપર મૌન વ્રત ધારક અને અન્ય સાધકો દ્વારા ગુરૂપૂજન પણ કરવામાં આવેલ.

વધુમાં હાલનો યુગ, સંસ્કાર, મર્યાદાઓ અને ઊભી થયેલ સમસ્યાઓ તેમજ સાચા ગુરૂ ની ઓળખ બાબતે પણ ચિંતન કરવામાં આવ્યું.છેલ્લે રાષ્ટ્ર ના સામૂહિક હિત સારું કામ કરતા સાધકો વતી ગુરુવંદના અને માતાજીની પ્રાર્થના કરવામાં આવી.

અંબાજી મગનરામ આશ્રમ ખાતે ગુરૂ પૂર્ણિમા પર્વ ઉજવવામાં આવ્યો :-
અંબાજી બાલાજીનગર ખાતે મગનરામ મહારાજ અને ખેમીબાનો આશ્રમ આવેલો છે આ મંદિર ખાતે ભક્તો દ્વારા ગુરૂ પૂર્ણિમા પર્વ ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

ગબ્બર નવદુર્ગા મંદિર ખાતે ગુરૂ પૂર્ણિમા પર્વ ઉજવવામાં આવ્યો :-

અંબાજી થી 3 કિલોમીટર દુર આવેલું ગબ્બર પર્વત પર ચાલતાં જવાના રસ્તા પર નવદુર્ગા મંદિર આવેલું છે .આ મંદિરનાં મહંત બડેબાપુના નામથી દેશવિદેશ મા ઓળખાય છે ત્યારે ગબ્બર પર્વત પર ગુરુજીના ભકતો દ્વારા ગુરુજીની વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને ભોજન પ્રસાદી પણ આપવામાં આવી હતી